Borsad Accident: બોરસદમાં રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત( Borsad Accident ) સર્જાયો હતો. ઝારોલા ગામના બસ સ્ટેન્ડ નજીક પુરપાટ ઝડપે પસાર થતી એક કાર આગળ જતા બાઈક સાથે અથડાયા બાદ સામેથી આવતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતાં. જ્યારે બાઈક પર સવાર ત્રણ યુવકોને સામાન્ય ઈજા પહોંચી છે. ભાદરણ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ત્રણેય મૃતકોની અર્થી એક સાથે નીકળતા ગામમાં લોકોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી.
બાઇકને ટક્કર મારીને કાર ટ્રકમાં ઘૂસી,ઘટના સ્થળ પર જ થયા કમકમાટી ભર્યા મોત
અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં રહેતા 22 વર્ષીય જયેશભાઇ રબારી, તેમના પિતા રવાભાઈ રબારી અને મામા શંકરભાઈ ગતરોજ રાત્રિના સમયે બાઈક નંબર (GJ-23-DF-4100 લઈને કણભા ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા જતા હતા. તેઓ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં બોરસદ તાલુકાના ઝારોલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે માર્ગ પર પાછળથી પૂરપાટ ઝડપે આવતી કાર નંબર (GJ-23-CD-6183) એકાએક જયેશભાઈની બાઈક સાથે અથડાઈ હતી.બાઇક સાથે અથડાયા બાદ બેકાબૂ બનેલી આ કાર રોંગ સાઇડે જઈને સામેથી આવતી એક રેતી ભરેલી ટ્રક નંબર( GJ-23-W-5714)માં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ગાડીની ટક્કર વાગવાથી બાઇક પર સવાર જયેશભાઈ, તેના પિતા રવાભાઈ અને મામા શંકરભાઈ રોડ પર પટકાયા હતા, જેથી ત્રણેયને વત્તાઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ, ટ્રકની નીચે ઘૂસી જવાથી કારનો કૂચો વળી ગયો હતો અને એમાં સવાર ત્રણેય યુવકનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.
JCBની મદદથી મૃતદેહ બહાર કઢાયા
અકસ્માતને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને માર્ગ પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. બનાવની જાણ થતાં ભાદરણ પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક જેસીબીની મદદથી ટ્રક ઊંચી કરાવી કારને બહાર કઢાવી હતી. એ બાદ જેસીબીથી કારનાં પતરાં ઊંચા કરી એમાં ફસાયેલા ત્રણેય મૃતદેહોને બહાર કઢાયા હતા.
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં
ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી બાદ આ ત્રણેયના મૃતદેહ જંત્રાલ ગામમાં લવાયાં હતાં. દરમિયાન આખું ગામ ગમગીન બન્યું હતું. ત્રણેયની એકસાથે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં. એક સાથે 3 યુવાનોના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.તેમજ આ ત્રણ લોકોના મોતના પગલે આખા ગામમાં માર્શિયાની તેમજ રુદનની ચીસો ગુંજી રહી છે.
ગામમાં કોઈ ચુલો ન સળગાવ્યો
બપોરે ત્રણેય મિત્રોની એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ અંતિમ યાત્રામાં જોડાયું હતું. આજે. સમગ્ર ગામમાં શોકને લઈને લોકોએ ચૂલા પણ સળગાવ્યા ન હતા. ગામના સ્મશાનમાં ત્રણેય યુવકોની એક સાથે અંતિમ વિધિ કરવાંમાં આવતા મૃતકના પરિવારજનોસહિત સમગ્ર ગામના લોકો ચોધાર આંસુંએ રડી ઉઠ્યું હતું. તેમજ મૃતકોના પરિવારના સભ્યો ઘેરા સદમામાં ગરકાવ થયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube