રાજ્ય સરકારે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનના લાભાર્થીઓને જમીન નવસાધ્ય કરવા હેક્ટર દીઠ અપાતી રૂા.૧૫,૦૦૦ની સહાય વધારીને રૂા.૩૦,૦૦૦ કરવામાં આવી છે, તેમ મહેસૂલ વિભાગના ઠરાવમાં જણાવાયું છે.
ખેતીની જમીનના વિકાસ માટેનું ખર્ચ તથા ખેતીના સાધનો, જંતુનાશક દવાઓ, બિયારણ વગેરેની હાલની કિંમતમાં થયેલ વધારો ધ્યાનમાં લેતાં આ રકમ અપુરતી હોવાથી ખરેખર જે જમીન નવસાધ્ય કરવા વર્ષ ૨૦૧૬-૧૭ના ધોરણો પ્રમાણે રૂા.૧૫,૦૦૦/-ની સહાય મેળવેલ નથી. તેવા લાભાર્થીઓને સરકારે જાહેર કર્યા પ્રમાણે રૂા.૩૦,૦૦૦/-ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.
સહાયની આ રકમનો ઉપયોગ લાભાર્થીને ફાળવવામાં આવેલી જમીનની કબજા હક્કની રકમની વસુલાત કામે કરી શકાશે નહી. સુધારેલી આ યોજના ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯થી અમલમાં આવે છે તેમ ઠરાવમાં વધુમાં જણાવાયું છે.
સ્ટેમ્પ ડ્યૂટી ઓનલાઇન ભરી શકાશે
આ સિવાય, મહેસૂલ મંત્રી કૌશિક પટેલે એમ પણ જણાવ્યું છે કે, રાજય સરકારે ડિજીટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નકકર કદમ ભરીને નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઈ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે.
રાજયમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી-જુદી પધ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે. તબક્કાવાર મહેસૂલી સેવાઓ ઓનલાઈન અને ડિજીટલ કરવાની કામગીરી ઝડપથી અમલી બની રહી છે.
આવી જ એક પ્રક્રિયાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓન લાઈન ભરી શકાય તે માટે એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલી છે. આ એપ્લીકેશનથી નાગરિકો પોતાના ઘરે બેઠા, જોઈએ તેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી નોંધણી થતા દસ્તાવેજ માટે ભરી શકશે.
આ પધ્ધતિ અમલમાં આવતા નોંધણી કચેરીમાં દસ્તાવેજ નોંધાવતાં પહેલાં ખરીદવાના થતાં સ્ટેમ્પ પેપર કે ફ્રેન્કિંગ કે ઈ-સ્ટેમ્પિંગ માટે જે-તે સ્થળ પર ગયા સિવાય લોકો ઘેર બેસીને જ ઓનલાઈન પધ્ધતિથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી શકશે. જેને કારણે સ્ટેમ્પની કૃત્રિમ અછત નિવારી શકાશે તેમજ જુદી-જુદી જગ્યાએ જવામાં રાહત મળશે અને બિનજરૂરી વિલંબ નિવારી શકાશે.
ઈ-પેમેન્ટ સિસ્ટમ અમલમાં આવતા નાગરિકોના નાણાં અને સમયનો બચાવ થશે તથા ઓનલાઈન પેમેન્ટ થવાથી સાઈબર ટ્રેઝરી મારફત તે જ સમયે સરકારમાં રકમ જમા થશે.
તેમણે ઉમેર્યુ કે, આ પધ્ધતિમાં જરૂરી વિગતો સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાથી મળતી પહોંચની સબ-રજીસ્ટ્રાર દ્વારા ચકાસણી કરી તેના ઉપયોગ બાદ લોક-ઈન કરવાથી રાજય સરકાર અને નાગરિકોના નાણાંકીય હિતની સલામતી અને સુરક્ષા જળવાશે તેમજ ઓનલાઈન રેકર્ડ હોવાથી ગમે ત્યારે આ વસ્તુની ખરાઈ જાણી શકાશે.
વધુમાં, નંબરીંગની પ્રથા રાખવામાં આવેલ હોવાથી ડુપ્લીકેટ કરવાની પ્રવૃત્તિ અટકાવી શકાશે.આ પધ્ધતિથી ‘ડિઝિટલ ઈન્ડિયા’ અભિયાનને પ્રોત્સાહન મળશે.