ગેનીબેને ભાજપ પર લગાવ્યાં મોટા આક્ષેપ; કહ્યું, મારું ફોર્મ રદ્દ કરાવવા BJP એ રાખ્યા ત્રણ-ત્રણ વકીલ…જાણો વિગતે

Geniben Statement: લોકસભાની ચૂંટણીના મતદાનને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બાકી રહ્યા છે. ગઇકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ભરવામાં ભૂલોની ભરમાર કરી હોય એવું લાગી રહ્યું છે. બનાસકાંઠા બેઠકના ભાજપનાં ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ત્રણ સુધારા, તો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન(Geniben Statement) ઠાકોરે સતત ચોથી વખત સાત સુધારા સાથેનું અંતિમ સોગંદનામું જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કર્યું હતું.ત્યારે ફોર્મની ચકાસણી કરાવવા આવેલાં ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્ષેપ કર્યા હતા. તો સામા પક્ષે પાલનપુરના ભાજપનાં પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેનના એફિડેવિટ પર સવાલો ઉઠાવ્યા હતા.

‘ત્રણ-ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા’
ફોર્મની ચકાસણી કરવા આવેલાં ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ઉમેદવારી ફોર્મમાં ત્રણ ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા. ક્યાંક મિલકત માટેના તો ક્યાંક પગાર માટેના.. એમ અલગ અલગ વાંધાઓ આપ્યા..એ તેમની માનસિકતા બતાવે છે કે સામેના ઉમેદવારના ફોર્મ રદ કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે. તેમને બનાસકાંઠાના 20 લાખ મતદારો પર ભરોસો નથી એટલા માટે એ વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરે છે.

‘જંત્રીઓ વધારી એટલે વેલ્યુએશન વધારે બતાવે’
એફિડેવિટ અંગે વાત કરતાં ગેનીબેને જણાવ્યું હતું કે 2007થી 2024 સુધી મારી મિલકતની એફિડેવિટ બધાં સરખી જ છે. સરકારે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારી એટલે વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે. પણ કોઇ નવી મિલકતમાં વધારો થયો હોય તો એનો પ્રશ્નાર્થ થાય.. વેલ્યુએશન અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે. એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવી એ કાયદાને આધીન છે.

‘કોઈ બિઝનેસ નથી તો આટલી પ્રોપ્રર્ટી ક્યાંથી આવી?’
રેખાબેન ખાણેચાએ ગેનીબેન પર પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું હતું કે ગેનીબેન પાસે ભાભરમાં ત્રણ બંગલા અને બે ગાડી છે. સોના-ચાંદી તો ગેનીબેને કિલોમાં દર્શાવ્યું છે. તો આ બધી વસ્તું ક્યાંથી આવી? તેમની કોઇ ફેક્ટરી કે કારખાનું તો છે નહિ અને આટલી બધી પ્રોપર્ટી વસાવી શકે એવો કોઇ બિઝનેસ પણ નથી. ગેનીબેન ભાષણમાં પોતે ગરીબ હોવાનું કહે છે, જો તેઓ ગરીબ હોય તો આટલી પ્રોપ્રર્ટી ન હોય. વાવની પ્રજા તો એમ કહે છે કે ગેનીબેને દારૂના ધંધામાંથી આવતા હપતામાંથી આ બધું વસાવ્યું છે.