સુરત(Surat): શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાંથી એક અજીબ ઘટના સામે આવી છે. નવરાત્રિ દરમિયાન લિંબાયત વિસ્તારમાં રહેતો એક પરિવાર મોબાઈલ ફોન પર ગીત વગાડી ફ્લેટના હોલમાં ગરબા રમી રહ્યા હતા. આ દરમિયાન પત્ની સાથે ગરબા રમતો રત્નકલાકાર યુવાન બેભાન થયા પછી અચાનક મોતને ભેટ્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
જણાવી દઈએ કે, લિંબાયત ખાતેના શાંતીનગર પાછળ આવેલી આકાર રેસીડેન્સીમાં હસતા રમતા પરિવાર ઉપર અચાનક જ આભ તૂટી પડ્યું હતું. વાત કરવામાં આવે તો મૂળ મહારાષ્ટ્ર, માલેગાવનો વતની દિપક માધવ પાટીલ પત્ની વેદીકા ઉર્ફે સાક્ષી સાથે રહેતો હતો અને રત્નકલાકાર તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મળતી માહિતી અનુસાર, દિપક તેની પત્ની અને મિત્ર ચેતનના પરિવાર સાથે ગરબા રમવા જવાનો હતો. પરંતુ ચેતનના ઘરે મહેમાન આવી જવાને કારણે પરિવારે નવરાત્રીમાં ગરબા રમવા જવાનું માંડી વાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિપક અને તેની પત્ની વેદીકા ગરબા રમવા જવા માટે તૈયાર થઈ ગયા હતા. જેને કારણે પરિવારે ફ્લેટના હોલમાં જ મોબાઈલ ફોન પર ગીત વગાડી ગરબા રમવાનું શરૂ કરી દીધું હતું. જે ગરબા દરમિયાન વેદીકા થાકી જતા સાઈડમાં બેસી ગઈ હતી. પરંતુ દિપક ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન દસેક વાગ્યાના અરસામાં દિપકને ચક્કર આવ્યા પછી તે બેભાન થઈ ગયો હતો. જેને લીધે વેદીકાએ બુમાબુમ કરી મૂકતા અડોશ-પડોશના લોકો ત્યાં દોડી આવ્યા હતા.
આ દરમિયાન તેમની પત્ની દ્વારા તેના મિત્ર ચેતનને જાણ કરવામાં આવી હતી અને મિત્ર ચેતન પણ સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યારબાદ દિપકને ખાનગી બાદ વધુ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો. હસતા રમતા પરિવારમાં ઘરના મોભીનું અચાનક મોત થઈ જતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મળતી માહિતી મુજબ, દિપક અને વેદિકાના ચારેક વર્ષ પહેલા લગ્ન થયા હતા. દિપકના અકાળે મોત થવાને કારણે પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. સમગ્ર ઘટના અંગે લીંબાયત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.