વેડરોડ વિજયનગરમાં કાકાને ત્યાં જતી ધોરણ-9 ની વિદ્યાર્થિનીને અહી રહેતા એક યુવાને જાહેરમાં બાથ ભરી લીધી હતી. ગભરાઇ ગયેલી તરૃણી બીજા દિવસે સ્કૂલે નહી જતા આખો મામલો બહાર આવ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વેડરોડ વિસ્તારમાં રહેતી અને ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય તરૃણી નિર્ભયા ( નામ બદલ્યું છે ) ગત ગુરૂવારે રાત્રે આઠ વાગ્યે બહૂચર નગરમાં રહેતા તેના કાકાને ત્યાં જતી હતી તે સમયે વિજયનગરમાં પોતાના ઘર પાસે ઉભેલા યુવાન મુન્નાએ તેને અચાનક બાથ ભરી દીધી હતી.
આથી નિર્ભયાએ તેને જોરથી ધક્કો માર્યો હતો અને પોતાને છોડાવી દીધી હતી. ગભરાયેલી નિર્ભયા કાકાને ત્યાં પહોંચી હતી પરંતુ બનાવ અંગે કશું જણાવ્યું ન હતું અને રાત્રે ત્યાં જ રોકાઈ ગઈ હતી. નિર્ભયા બીજા દિવસે સ્કુલે પણ ગઇ ન હતી.
સાંજે નિર્ભયા પોતાના ઘરે પહોંચી હતી. તેના પિતા બિમાર હોય કામ ઉપર ગયા ન હતા આથી તેમણે નિર્ભયાને સ્કૂલે નહીં જવા પાછળનું કારણ પૂછતાં તેણે સમગ્ર હકીકત વર્ણવી દીધી હતી. આથી નિર્ભયાના પિતાએ મુન્ના વિરૂદ્ધ ગતરાત્રે કતારગામ પોલીસ મથકમાં છેડતીની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.