જાણવા મળ્યું છે કે, 3 જૂનના રોજ દિલ્હીના ડેપ્યુટી CM(Deputy CM of Delhi) મનીષ સિસોદિયા(Manish Sisodia) ફરી ગુજરાત (Gujarat)ના પ્રવાસે આવી રહ્યા છે, આ દરમિયાન તેઓ વડોદરા (Vadodara)માં ‘એજ્યુકેશન ટાઉન હોલ’ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે વડોદરામાં સ્કૂલોની હાલત કેવી છે એ જાણીએ. એક તરફ ભાજપ સરકાર ‘ભણશે ગુજરાત’ની ગુલબાંગો પોકારીને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરી દેખાડા કરે છે, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે શિક્ષણને લઈને ચેડા થઈ રહ્યા છે.
આમ તો સરકાર ભણશે ગુજરાત અભિયાન હેઠળ સાક્ષરતા વધારવાના પ્રયાસો કરે છે, પરંતુ ઇચ્છાશક્તિના અભાવે સરકારના અભિયાનને સફળતા મળતી નથી. એવામાં, વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કનાયડા ગામમાં સ્કૂલનું મકાન તૈયાર થયું ન હોવાથી દોઢ વર્ષથી બાળકોને ગામના પંચાયત ઘર, કબ્રસ્તાન, મદરેસા અને ડેરીના મકાનમાં બાળકોને ભણાવવાની ફરજ પડી છે અને નવા શૈક્ષણિક સત્રમાં પણ જ્યાં જગ્યા મળશે ત્યાં ભણવાનો વખત આવશે. કનાયડા ગામમાં સ્કૂલનું મકાન ન હોવાથી 200 બાળકનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે.
સ્કૂલ બિલ્ડિંગ તોડી પાડ્યું, પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી:
જાણવા મળ્યું છે કે, આગામી દિવસોમાં સરકાર શરૂ થતા શૈક્ષણિક સત્રમાં પ્રવેશોત્સવના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવા જઇ રહ્યું છે, પરંતુ વડોદરાના કનાયડા ગામની શાળા બનાવવામાં કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગામમાં 1થી 8 ધોરણની શાળા છે, પરંતુ ગામની સ્કૂલનું મકાન જર્જરિત થઇ જતાં શાળા તોડી પાડવામાં આવી હતી. પરંતુ કોઇપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
200 વિદ્યાર્થીનું ભાવિ અંધકારમય બન્યું:
શાળા તોડ્યાના 18 મહિના થઈ ગયા હોવા છતાં નવું મકાન બનાવવામાં આવ્યું નથી. જેના કારણે સ્કૂલનાં 200 જેટલાં બાળકોને ગામલોકોની મદદથી પંચાયત ઘર, ડેરી ઘર મદરેસા તેમજ કબ્રસ્તાનમાં ભણાવવાની શિક્ષકોને ફરજ પડી છે અને 10 દિવસ બાદ શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં પણ ગામમાં જ્યાં જગ્યા મળશે ત્યાં ભણવાનો વારો આવશે. આ રીતે 200 જેટલા વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થઈ રહ્યા છે.
સ્કૂલ બિલ્ડિંગ બનાવવા ટેન્ડર બહાર પાડ્યું:
સ્કુલ બિલ્ડિંગ બનાવવા અંગે કેટલાય ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, તેમ છતાં પણ ત્યાની સ્થિતિ એવી ને એવી જ છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, અગાઉ શાળાના 6 ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા, જે વધારી 8 કરવામાં આવ્યા છે. અગાઉ રૂપિયા 72 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ, કોઇ એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું નથી, આથી આજે પુનઃ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર સર્વ શિક્ષા અભિયાન, ગાધીનગર દ્વારા બહાર પાડવામાં આવે છે. આગામી દિવસોમાં શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં બાળકોને ભણાવવા માટે ગામમાં કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.