જો શિક્ષક ધારે તો સરકારી શાળામાં પણ ખાનગી શાળા જેટલું જ ગુણવત્તા ભર્યું શિક્ષણ અને તેવું જ વાતાવરણ ઊભું કરી શકે છે. જેનું ઉદાહરણ ઉત્તર ગુજરાતના ધનસુરા તાલુકાની એક સરકારી શાળામાં શિક્ષિકા ભાવનાબેન પટેલે પૂરું પાડ્યું છે અને વિદ્યાર્થીઓને અનોખી રીતે શાળામાં આવકારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
ધનસુરા તાલુકાના કેનપુર કંપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રીમતી ભાવનાબેન પટેલ શાળામાં આવનાર વિદ્યાર્થીઓ માટે બોર્ડ પર શિક્ષક પ્રત્યે ની અભિવ્યક્તિ કરવાની અલગ અલગ કૃતિઓ દોરી તેમના ધોરણ ત્રણ અને ધોરણ ચાર વર્ગ ખંડમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ જે કૃતિ પર હાથ મૂકે એ પ્રકારની લાગણીઓ ની અભિવ્યક્તિ શિક્ષિકા પ્રત્યે વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
આ અંગે કેનપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં ભાવના બેન પટેલ જણાવે છે કે સાતથી આઠ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે વિદેશની શાળાની શિક્ષિકા નો વિડીયો વાયરલ થયો હતો.જેમાં ક્લાસરૂમમાં વિવિધ આકૃતિઓ દોરેલી હતી અને ક્લાસ રૂમમાં પ્રવેશ કરતા બાળકો બુરખો પહેરી ક્લાસ ટીચર સાથે ક્લાસરૂમમાં દોરેલી આકૃતિ ને સ્પર્શ કરી બાળકો શિક્ષિકા સાથે એ પ્રકારની લાગણીની અભિવ્યક્તિ કરતા હતા.આ વિડિયો જોઈ તેમણે પણ તેમની શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકો સાથે એવો અભિગમ અપનાવવો જોઇએ તે ઉદ્દેશ સાથે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળાઓમાં ગરીબ બાળકો જ મુખ્યત્વે અભ્યાસ અર્થે આવતા હોવાથી અને બાળકો અભ્યાસ થી વિમુખ ન રહે તે માટે વર્ગખંડના બ્લેકબોર્ડ પર હગ કરતી, હાથ મિલાવતી વગેરે કૃતિઓ દોરી વર્ગખંડમાં આવતાં બાળકો જે ચિત્રને સ્પર્શે તેવી લાગણી વ્યક્ત કરી શકતા હોવાનું જણાવ્યું હતું.
રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર મળવાની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે શિક્ષિકાની વિદ્યાર્થીઓને વર્ગખંડમાં આવકારવાની અનોખી પહેલ ને ગ્રામજનો આવકારી રહ્યા છે. આ શિક્ષિકા ની વિદ્યાર્થીઓને આવકારતો વિડિયો પણ અહીં આપવામાં આવેલ છે.