P.P.Savani Mass Marriage: શહેરના પી.પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘પિયરીયું’ નામથી (P.P.Savani Mass Marriage) પિતાની છત્રછાયા ગુમાવેલી 111 દીકરીઓનો અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું તેમજ ‘પિયરીયું’ છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતાવિહોણી દીકરીઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા.
111 દીકરીઓની લાગણીસભર વિદાય
લગ્નોત્સવમાં વિશ્વવિખ્યાત રામકથા મર્મજ્ઞ પૂ. મોરારીબાપુ, મંત્રીઓ, વન પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ, શરણાઈ અને સંગીતની સુરાવલિઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો સંગમ સર્જાયો હતો. સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી 111 દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. તમને જણાવી દઈએ કે, રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું.
2011 થી અવિરત પ્રજ્વલિત લગ્નોત્સવનો સેવાયજ્ઞ
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા 16 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 5274 દીકરીના પિતા બની ગયા છે. વર્ષ 2011 થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે.
પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી
પિતાવિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતી થાય છે એમ જણાવી મુખ્યમંત્રીએ છેલ્લા 16 વર્ષમાં લગ્ન થયેલી પિતાવિહોણી દીકરીઓને પિતાની ઓછપ ન લાગે, પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ
પોતે કમાઈને પોતે ખાવું એ પ્રકૃતિ છે, અન્યએ કમાયેલું ખાવું એ વિકૃતિ છે, પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે એમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, અર્જિત કરેલી સદ્દસંપત્તિને સામાજિક સેવા તેમજ પિતાવિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવા માટે ઉપયોગમાં લેવાની સવાણી પરિવારની આગવી સંસ્કૃતિ એ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરે છે.
5274 દીકરીઓના પાલક પિતા મહેશભાઈ
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘જેનું કોઈ નહીં એનો સવાણી પરિવાર’ તેમજ ‘પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ’ એવી ઓળખ બની ગઈ છે. આ સમરસતા, સંવેદના અને એકતાની ભાવના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરે છે. એટલું જ નહીં, લગ્નમાં 50,000 તુલસીના છોડનું વિતરણ એ સામાજિક કાર્યો સાથે પર્યાવરણ સંરક્ષણની ઉદાત્ત સંવેદનાના દર્શન કરાવે છે. આ બાબત જણાવી મુખ્યમંત્રીએ 5274 દીકરીઓના પાલક પિતા બનેલા મહેશભાઈને શુભેચ્છા પાઠવી હતી.
દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા
પ્રખ્યાત રામકથાકાર મોરારીબાપુએ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સવાણી પરિવારની સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને બિરદાવ્યું હતું. આ સાથે સાથે વિદાય ગીતો દરમિયાન વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી.
મહેશભાઇને ભેટીને દીકરીઓએ સાસરે ડગ માંડી
આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા -પિતા અને પરિવારનું હૈયુ હચમચાવી મૂકે છે, ત્યારે વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે 111 દીકરીઓના આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશભાઇને ભેટીને દીકરીઓ સાસરે ડગ માંડી રહી હતી, ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી દરેકની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App