સોશિયલ મીડિયા પર અવારનવાર દીવાલ તથા મકાન ધરાશાયી થવાંની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક દુર્ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદમાં આવેલ મુરાદનગરમાં ગઈકાલે એટલે કે, 3 જાન્યુઆરીનાં રોજ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કર્યાં બાદ શાંતિ પાઠ કરતા કુલ 23 લોકોને કાળ ભરખી ગયો હતો.
આ બધાં લોકો આંખ બંધ કરીને મૌનમાં હતા ત્યારે સ્મશાનનો શેડ તેમની પર તૂટી પડતાં કાટમાળમાં કુલ 40થી પણ વધારે લોકો દબાઈ ગયા હતા, જેમાંથી કુલ 21 લોકોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયા હતા. આની ઉપરાંત કુલ 20 ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી કુલ 4 લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુ દરમાં વધારો થઈ શકે છે.
રેસ્ક્યૂ ટીમે અનેક લોકોને બચાવ્યા :
ગાઝિયાબાદના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રવીણ કુમાર જણાવતાં કહે છે કે, સ્થાનિક ફળ વિક્રેતા રાજારામના મૃત્યુ બાદ સવારમાં અંતિમ સંસ્કાર કરવાં માટે લોકો એકત્ર થયા હતા. એ પહેલા અહીં મધરાત્રે 3 વાગ્યાથી લઈને સવારનાં 8 વાગ્યા સુધી મુશળધાર વરસાદ પડ્યો હતો.
કદાચ આ જ કારણસર દીવાલ ધસી પડતાં છત પણ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના બાદ NDRF ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી, જ્યાં રેસ્ક્યૂ ટીમ દ્વારા કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા.
મૃતકોના પરિવારજનોને કુલ 2-2 લાખ રૂપિયાની સહાય :
ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ દ્વારા ગાઝિયાબાદના કમિશનર તેમજ મેરઠ ઝોનના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ પાસે આ ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગવામાં આવ્યો છે. આની ઉપરાંત મૃતકોના પરિવારજનોને કુલ 2-2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.
વરસાદમાં ગેલેરીની છત તૂટી પડી :
ફળ વિક્રેતા જયરામા પૌત્ર દેવેન્દ્ર જણાવે છે કે, દાદાના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા એ વખતે વરસાદ પણ શરુ હતો. કેટલાક લોકો નવી બનાવવામાં આવેલ ગેલેરીમાં ઉભા રહ્યાં હતા. અચાનક જ જોરદાર અવાજ આવતાં જ્યારે મે એ દિશા બાજુ જોયું કે છત તૂટી ગઈ હતી.
જેની નીચે અનેક લોકો તેની નીચે ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં મારા ચાચાનું પણ મોત થયું છે. તેનો દિકરો પણ કાટમાળમાં ફસાઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. મારા પિતાને ખભાના ભાગમાં ઈજા પહોંચી છે. તેમનો આ ઘટનામાં ચમત્કારીક બચાવ થયો છે.
જે લોકો જ્યાં ઉભા હતા ત્યાં જ દબાઈ ગયા :
સ્થાનિક રહેવાસી સુશીલ કુમાર જણાવે છે કે, કાટમાળ નીચે દબાઈ ગયેલ લોકોની પરિસ્થિતિને જોઈ હૃદય ધ્રુજી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા હતા. કાટમાળમાં કોઈનો હાથ દેખાઈ રહ્યો હતો તો કોઈનું માથુ દેખાઈ રહ્યું હતું. પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે, જે લોકો જ્યાં ઉભા હતા ત્યાં જ દબાઈ ગયા હતા. ગેલેરીની કિનાર પર ઉભેલા લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યાં હતાં.
ચીચીયારી સાંભળી લોકો સ્મશાન બાજુ ભાગ્યા :
સ્મશાન ઘાટ પાસે રહેતા અરનેસ્ટ જેમ્સ જણાવે છે કે, વરસાદ થઈ રહ્યો હતો જેથી લોકો પોતાના ઘરમાં હતા. અચાનક કોઈ અવાજ આવતાં લોકોની ચીચીયારી સાંભળવા મળી હતી. શરૂઆતમાં તો કંઈ સમજમાં ન આવતું હતું કર, કે શું થઈ રહ્યું છે તેમજ કોણ બુમો પાડી રહ્યું છે. પરિસ્થિતિને જોતા લોકો ઘરની બહાર નિકળ્યા હતા. તે સમયે લોકો સ્મશાન બાજુ દોટ મૂકી રહ્યાં હતા. જ્યારે લોકો ત્યાં પહોંચ્યા તો તેમના શ્વાસ જાણે અટકી ગયા હતાં. ત્યારપછી પોલીસ તેમજ રેસ્ક્યૂ ટીમ દ્વારા કાટમાળમાં ફસાઈ ગયેલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મહિલાઓ પણ રડતા-રડતા સ્મશાને પહોંચી :
દુર્ઘટનાનો શિકાર બનેલ લોકોના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા. કોઈ કાટમાળમાં પોતાના ભાઈને શોધી રહ્યા હતા તો કોઈ પિતાને શોધી રહ્યા હતા. મહિલાઓ પણ રડતા-રડતા પરિવારજનોને શોધી રહી હતી. શરૂઆતમાં કોઈને કંઈ જ સમજમાં આવતું ન હતું.
કુલ 60 ફૂટ લાંબી ઈમારત અઢી વર્ષ પહેલાં બની હતી :
આની સાથે એવી પણ જાણકારી મળી રહી છે કે, અંદાજે અઢી વર્ષ પહેલાં સ્મશાન ઘાટ પર તડકા, વરસાદથી બચવા માટે ગેલેરી બનાવવામાં આવી હતી. તેની લંબાઈ કુલ 60 ફૂટ હતી. જો કે, તેને બનાવતી વખતે ક્વોલિટીને ધ્યાનમાં લેવામાં આવી ન હતી. ગેલેરી તૂટી પડતા જ તેમા ઉપયોગમાં લેવામાં આવેલ સામગ્રી ચૂરામાં તબદિલ થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle