ધાનાણી-ચાવડા સામે બળવાની સ્થિતિ, મોઢવાડીયાના ઘરે 17 કોંગી નેતાઓની ગુપ્ત બેઠક મળી

Published on: 6:57 am, Thu, 27 December 18

ગુજરાતમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ વકરવા લાગ્યો છે. લોકસભા-2019ની ચૂંટણી આડે ગણતરીના મહીના જ બાકી હોવાથી ગુજરાત કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ છે.

અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના ઘરે બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રમુખો સહિત લગભગ 17 નેતાઓ હાજર રહ્યાની ચર્ચા છે. આ સિનિયર નેતાઓ પરેશ ધાનાણી અને અમિત ચાવડાની કામગીરી સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને સિનિયરોની અવગણના મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અર્જુન મોઢવાડિયાના ઘરે કોંગ્રેસના નારાજ નેતાઓ ભેગા થયા હતા. આ બેઠકમાં દિનશા પટેલ, અલ્પેશ ઠાકોર, શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ, સાગર રાયકા, નરેશ રાવલ, તુષાર ચૌધરી, હિંમતસિંહ પટેલ, સોમા ગાંડા પટેલ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર હતા. આ બધા નેતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગશે.

કોંગ્રેસ સંગઠનના નવા માળખામાં જૂના જોગીઓની બાદબાકીને લઈ નારાજગી હવે બહાર આવી રહી છે. 400 લોકોનું જમ્બો માળખું હોવા છતાં જસદણમાં નિષ્ફળતા મળતા આ પરાજયને પ્રદેશ પ્રમુખ(અમિત ચાવડા) અને નેતા વિપક્ષ(ધાનાણી) સામે હથિયાર બનાવ્યું છે. આ બેઠકમાં એક થઈ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા સામે મોરચો ખોલવાનું નક્કી કર્યું હોવાની ચર્ચા છે