રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભર ચોમાસા જેવો માહોલ સર્જાવા લાગ્યો છે. રવિવારે સૌરાષ્ટ્ર ના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં આવી ગયાં છે. જામનગરના ધ્રોલમાં રવિવારે સાંજે ૬ થી ૮ વાગ્યાના બે કલાકમાં જ સવા ચાર ઈચ વરસાદ ખાબકતાં જળ બંબાકરની સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગરના ના શિહોર તાલુકામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટના ધોરાજી અને જુનાગઢના વથલીમાં બે ઈંચ વરસાદ પડયો હતો.
ગુજરાત માં ચોમાસું વિદાય લેવાની તૈયારી માં- બીજી બાજુ અમુક વિસ્તાર માં વરસાદ આવવાની શક્યતા
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને ફરી એકવાર રાજ્યના ખેડૂતો ચિંતામાં બેઠા છે. એક બાજુ ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં વરસાદની આગાહીને પગલે જગતનો તાત ચિંતામાં છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાની થયી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ હજી અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે. આ સિવાય ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલમાં પણ આગાહી કરવામાં આવી છે.
ઓગસ્ટ મહિનામાં અનરાધાર વરસાદ પડતાં ખેડૂતો નિયત સમયમાં વાવણી કરી શક્યા નહોતા. કેટલાક તાલુકાઓએ અતિવૃષ્ટીનો સામનો કરવો પડયો છે. બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે. શનિવારે રાજ્યના કુલ ૮૬ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને રવિવાર સાંજ સુધીમાં ૩૮ તાલુકામાં વરસાદ પડયો હતો.
વાતવરણ માં પલટો થતા ગરમી અને બફારાએ આપ્યો નાગરિકો ને ત્રાસ
ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાતો હતો તો બીજી તરફ દિવસ દરમિયાન ગરમીનો વર્તારો રહેતો હતો. પરંતુ રવિવારે ઠંડી અને ગરમીની વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ વધ્યો હતો. અસહ્ય ઉકળાટના કારણે નાગરિકો પરસેવે રેબઝેબ થયા હતા. અચાનક બફારો વધતા શહેરીજનો કંટાળી ગયા હતા. આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬ ડિગ્રીને પાર નોંધાયો હતો.
અહી ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં લો-પ્રેશર થવાના કારણે બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પણ બપોર પછી વરસાદી છાંટા પડ્યા હતા.
અસહ્ય ઉકળાટ અને ગરમી થી માસ્ક પરસેવાથી થાય છે ભીનું- તબીબોએ જણાવ્યું પરસેવાથી ભીનું માસ્ક નકામું…
દિવસે બપોરના સમયે અસહ્ય ઉકળાટ અને ગરમી વધતાં માસ્ક પણ પરસેવાથી ભીનું થવા લાગ્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર પરસેવાથી ભીનું થયેલું માસ્ક નકામું બની જાય છે, માસ્ક હંમેશાં ચોખ્ખું અને કોરું હોવું જરૂરી છે. ભીના માસ્કમાં વાઇરસ ઘૂસવાની શક્યતાઓ વધી જાય છે.
હાલની સ્થિતિ પ્રમાણે, બપોરના સમયે જ્યારે ગરમીનું પ્રમાણ વધુ હોય એવા સમયે તો લોકોએ ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. કારણ કે, ગરમી અને ભીડના કારણે બફારો વધતાં પરસેવો છૂટે છે અને માસ્ક ભીનું થશે, જે વાઇરસ રોકવા માટે નકામું બની જશે.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે શનિવારે બારડોલી, ઉમરપાડા અને તાપી જિલ્લામાં વરસાદ નોંધાયા બાદ રવિવારે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. આખો દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું, પરંતુ વરસાદ વરસ્યો નહોતો, માત્ર સુરત શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો.
વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન અને ભેજમાં ઘટાડો થતાં શહેરમાં બફારાનું પ્રમાણ ઘટયું હતું. રવિવારે સુરત શહેરના તાપમાનમાં ૦૧ ડિગ્રીનો ઘટાડો નોંધાવા સાથે મહતમ તાપમાન ૩૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, બંગાળના અખાતમાં સર્જાયેલું નવું ડીપ ડિપ્રેશન ૧૯ ઓક્ટોબરના સોમવારથી ઓડિશા, તેલંગણા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુનાં ભારેથી અતિભારે વરસાદ લઇને આવે તેવી સંભાવના છે.
ભુજ- કચ્છના વિવિધ વિસ્તારોમાં ત્રણેક દિવસથી વરસાદ પડી રહ્યો છે. રવિવારે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ૩૬ કલાક દરમ્યાન ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, અબડાસા અને નખત્રાણામાં અડધાથી સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. રાપર શહેરમાં રવિવારના રોજ વહેલી સવારે અડધા-પોણા કલાક દરમ્યાન અંદાજીત દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો.
મહેસાણા જિલ્લામાં શનિવારે મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વિજાપુર તાલુકામાં સૌથી વધુ બે ઈંચ, જોટાણા, બેચરાજી, વિસનગર અને કડી તાલુકામાં છુટા છવાયા ઝાપટા પડયાં હતા.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. હિંમતનગર અને પ્રંતિજમાં ૦૧ ઈંચ વરસાદ પડયો હતો. બાયડ અને તલોદ પંથકમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડયો હતો.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતિવાડા, સુઈગામ સહિતના વિસ્તારમાં રવિવારે વરસાદી ઝાપટા પડયાં હતા. વરસાદના કારણે મગફળીના પાકને મોટુ નુકશાન જવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle