ગુજરાત(Gujarat): રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)એ જણાવતા કહ્યું છે કે, હવે રાજ્યમાં ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો ઉમેરો કરવામાં આવશે. નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી(Natural farming)નો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી, તેના ફાયદા તેમજ તેની પૂરતી સમજ વિશે વિસ્તૃત માહિતી મળશે. વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવશે. સાથે જ ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન શક્ય બનશે, જેનાથી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહેશે અને આરોગ્યમાં સુધારો થશે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવતા કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં જોખમી રસાયણમુક્ત ખેતીના ભવિષ્યનો રોડમેપ તૈયાર કર્યો છે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો છે. તેવી જ રીતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ ધરતી માતાને ઝેર આપવાનું બંધ કરીને અને રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો પરિચય કરાવવાના સંકલ્પ સાથે અભિયાન શરૂ કર્યું છે. રાજ્યમાં આ ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી જિલ્લ તરીકે જાહેર કરાયો છે.
વધુમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવતા કહ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી કાળ દરમિયાન શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યાર પછી ક્રમશઃ ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ના અભ્યાસક્રમમાં પણ પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો ઉમેરો કરવામાં આવશે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે, પ્રાકૃતિક ખેતીનો સમાવેશ અભ્યાસક્રમમાં થવાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે. જેથી તેઓ તેમના વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરી શકશે. આ ઉપરાંત ભવિષ્યમાં તે પોતે પણ પ્રાકૃતિક ખેતી કરી શકશે અને તેના દ્વારા વધારે ઉત્પાદન મેળવી શકશે. સાથે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ ઓછા પ્રમાણમાં કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.