2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, ત્યારે 2014ની લોકસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ 2019માં ગુજરાત છોડીને ઉત્તરપ્રદેશના વારાણસીમાંથી ચૂંટણી લડ્યા.
જેને પગલે કેન્દ્રમાં 2014 કરતા 2019માં એટલે કે મોદીએ ગુજરાત છોડ્યા બાદ કેબિનેટમાં ગુજરાતનું કદ ઘટ્યું છે. તો બીજી તરફ અમિત શાહને કેબિનેટમાં નંબર ટૂનું સ્થાન મળતા ગુજરાતનું વર્ચસ્વ વધ્યું છે.
2014માં ત્રણ લોકસભા સાંસદોને મંત્રી બનાવ્યા હતા
2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમવાર વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતમાંથી મોહન કુંડારિયા, મનસુખ વસાવા અને હરિભાઈ ચૌધરીને મંત્રી બનાવ્યા હતા. ત્યાર બાદ 2016માં મંત્રી મંડળનું વિસ્તરણ કર્યું ત્યારે કુંડારિયા અને મનસુખ વસાવાને પડતા મૂકવામાં આવ્યાં અને લોકસભામાંથી જીતેલા જશવંતસિંહ ભાભોરને મંત્રી બનાવ્યા. જ્યારે રાજ્યસભામાંથી મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને મંત્રી મંડળમાં સ્થાન આપ્યું હતું.
2019માં લોકસભાના 26માંથી માત્ર એકને જ મંત્રી બનાવ્યા
જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો ફરીએકવાર ભાજપને ફાળે ગઈ છે. જેમાં 10 નવા સાંસદો અને 16 જુના સાંસદો રીપિટ થયા છે ત્યારે મોદીના નવા મંત્રી મંડળમાં લોકસભામાં પ્રથમવાર ચૂંટાયેલા માત્ર એક એવા અમિત શાહને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યસભામાંથી ચૂંટાયેલા રૂપાલા અને માંડવિયાને મંત્રી બનાવ્યા છે. ગુજરાતમાંથી રાજ્યસભાની કુલ 11 બેઠકો છે, જેમાંથી હાલ બે બેઠક ખાલી છે અને 9 પર સાંસદ ચૂંટાયેલા છે. આ 9 સાંસદોમાંથી પાંચ ભાજપના અને ચાર કોંગ્રેસના સાંસદો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.