Father’s day 2022: આજ રોજ ફાધર્સ ડેના પર અમે તમને એવા પિતાની વાત કરવા જઈ રહ્યા છીએ જે, માત્ર એક, બે નહીં પણ 4874 દીકરીઓના પિતા છે! અહિયાં વાત થઈ રહી છે મહેશભાઈ સવાણી(Mahesh Savani)ની. સમગ્ર ગુજરાત(Gujarat)માં પિતા વિનાની 4874 દીકરીઓના લગ્ન કરાવીને સાસરે વળાવી છે.
એક પપ્પા તેની લાડકવાયી દીકરીની જેથી સારસંભાળ રાખે છે તેટલી જ મહેશભાઈ રાખી રહ્યા છે. ફાધર્સ-ડે પર મહેશભાઈ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ‘મારે જેમ બને તેમ વધારેમાં વધારે દીકરીઓને સાસરે વળાવી છે. વધુમાં મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે, જો મારી પાસે અંબાણી-અદાણી જેટલા રૂપિયા હોત તો હું સમગ્ર ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન કરાવત.’ હાલમાં દીકરીઓ મહેશભાઈ સવાણીને પ્રેમથી ‘વર્લ્ડના બેસ્ટ પપ્પા’ કહીને બોલાવે છે.
મહેશભાઈ સવાણી માટે કોઈ પણ મહિલા ભગવાનનું રૂપ છે. તમને એ વાત જાણીને આંચકો લાગશે કે, જયારે પણ મહેશભાઈ સવાણી ઘરની બહાર જાય તો તેમની બંને પુત્રવધૂના ચરણસ્પર્શ કરીને જ નીકળે છે. મહેશભાઈએ પોતાના દીકરા મોહિતના લગ્નમાં પણ તેમણે બધા મહેમાનોની ઉપસ્થિતિમાં જ નવપરિણીત પુત્રવધૂના ચરણસ્પર્શ કર્યા હતા.
આ અંગે મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું, ‘મે મારી પુત્રવધૂને કોઈ દિવસ પુત્રવધૂ કહી નથી. હું દરરોજ ઘરેથી નીકળું તો મારી બંને દીકરીઓ એટલે કે મારા બંને દીકરા મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીને પગે લાગીને ઘરેથી નીકળું છું, કારણ કે હું પુત્રવધૂને જ ભગવાન માનું છું અને જગત જનની એ જ છે. એ મારી પેઢી પણ આગળ વધારવાની છે. તે બંને મારી દીકરીઓ જ છે. બંને દીકરીઓ જાનકી અને આયુષી મારી શાળા સંભાળે છે. જયારે દીકરાઓ મિતુલ અને મોહિત બિઝનેસમાં છે અને સામાજિક પ્રોગ્રામ હોય ત્યારે પણ જવાબદારી નિભાવતા હોય છે. સમૂહલગ્નમાં જે દીકરીઓ પરણવાની હોય તેની શોપિંગની જવાબદારીઓ પણ મારા બંને દીકરાઓ નિભાવે છે.’
મહેશભાઈ સવાણી કહે છે કે, ‘મારા પપ્પા એક જ વસ્તુ કહેતા કે પૈસા કમાવ તે પહેલા પૈસા વાપરતા શીખો. કમાવો છો એના કરતાં કઈ જગ્યાએ પૈસા વાપરો છો એ અતિ મહત્વનું છે. એટલે પરિવારમાં આ સંસ્કારો તો અમારા માં-બાપમાંથી મળ્યા છે. અમે ભણતાં હતાં ત્યારથી મારા પપ્પાના સોશિયલ કામ રહેતા હતા. મારૂં ફેમિલી પણ મારી સાથે જ હોય છે.
વધુમાં કહ્યું હતું કે, મારા પપ્પાએ આજથી ત્રીસ વર્ષ પહેલા મારા લગ્ન સમૂહમાં કર્યા હતા. અમે ચાર ભાઈ-બહેન છીએ તેમના પણ લગ્ન સમૂહમાં જ કરવામાં આવ્યા હતા. મે મારા બંને દીકરાઓ મિતુલ અને મોહિતના લગ્ન પણ સમૂહમાં જ કર્યા હતા. આવતા વર્ષે મારા ભાઈના બે દીકરાઓના લગ્ન પણ સમુહમાં જ કરવામાં આવશે. અમે ખોટો દેખાડો કરવામાં માનતા નથી. રૂપિયો સારી જગ્યાએ વપરાય અને વાપરેલા રૂપિયાથી બીજા લોકોને પણ લાભ મળે એ વધારે મહત્વનું છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.