ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ઘણીવાર ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જેમાં ક્યારેક મહિલાઓને રોમીયો પરેશાન કરતા હોય છે તો ક્યારેક લૂંટના બનાવો બનતા હોય છે. વૃધ્ધ અને બિમાર પ્રવાસીઓ પણ પરેશાન થતા હોય છે. આ તકલીફો દુર કરવા માટે રેલવે પોલીસે રેલ સુરક્ષા જીઆરપી નામની એપ તૈયાર કરી છે. મોબાઈલમાં આ એપ સ્ટોર કરી તેમાં રજીસ્ટર્ડ કરાવીને પ્રવાસીઓ તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકશે, એકાદ અઠવાડિયામાં આ એપ કાર્યરત થઈ જશે.
ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને મદદરૃપ થાય તે માટે રેલવે પોલીસે રેલ સુરક્ષા જીઆરપી નામની એપ તૈયાર કરી છે. જેને આધારે પ્રવાસીઓ રેલવે પોલીસને સીધી જ ફરિયાદ કરી શકશે. આ એપમાં ફરિયાદ, વુમન ડેસ્ક, સજેશન, સસ્પીશિયસ, કોલ, કોન્ટેક્ટ કોપ, કોન્ફીડેન્શીયલ, ટ્રેસ માય રૃટ અને ફીડબેક જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં વુમન ડેસ્કના બટન પર ક્લિક કરવાથી જે તે મહિલા પ્રવાસીનો કોચ સીટ નંબર વગેરે રજીસ્ટર થઈ જશે.
ત્યારબાદ મહિલાને કોઈ રોમિયો પરેશાન કરતો હશે તો મહિલાએ મોબાઈલમાં એપમાંનુ ફક્ત પેનિક બટન જ દબાવવાનું રહેશે. પેનિક બટન દબાવતા જ પોલીસ રજીસ્ટર્ડ થયેલી માહિતીને આધારે મહિલાની સીટ સુધી પહોંચી જશે અને તાત્કાલિક કાર્યવાહી કરશે.ઉપરાંત ફરિયાદ કરનારી વ્યક્તિનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. એ જ રીતે વૃધ્ધો કે બિમાર પ્રવાસીને પોલીસની મદદની જરૃર હોય તો તે પણ અગાઉથી પોતાની માહિતી રજીસ્ટર્ડ કરાવીને તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકશે. ટ્રેન કોઈ કારણસર મોડી હશે તો પણ આ એપની મદદથી તેની સ્થિતી જાણી શકાશે, એમ રેલવેના ડીઆઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું.
અમદાવાદ રેલવે સ્ટેશન પર દરરોજ ૨૦૦થી વધુ ટ્રેનોની અવરજવર રહે છે. જેમાં કેટલીક ટ્રેનોમાં જીઆરપી અને કેટલીક ટ્રેનોમાં આરપીએફ ફરજ બજાવતા હોય છે. જેને પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ એપની મદદ મેળવી શકશે. એકાદ સપ્તાહમાં આ એપ કાર્યરત થઈ જશે. પોલીસ વિવિધ માધ્યમો દ્વારા આ એપનો પ્રચાર અને પ્રસાર કરશે. તેમજ એપ સંબંધિત પેમ્ફલેટો વહેંચવામાં આવશે. ઉપરાંત ટ્રેનોમાં સ્ટીકરો લગાવીને લોકોમાં એપ અંગે પ્રચાર કરવામાં આવશે.