ગુજરાત(Gujarat): કોરોના(Corona)નો ખતરો ફરી એક વખત વધી ગયો છે અને ધીમે ધીમે કોરોના પગપેસારો કરી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોનાની વેક્સિન(Corona vaccine) મેળવવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. રાજ્યમાં રસીના સ્ટોક માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે વિનંતીઓ કરી રહી છે ત્યારે મોટો ધડાકો થયો છે કે કોરોનાની રસીના 22.28 લાખ ડોઝ બગડી ગયા છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ(Gujarat Health Department) કેટલી હદે બેદરકાર રહ્યું છે તે વાતનો ખુલાસો થયો છે.
મહત્વનું છે કે, કોરોનાકાળમાં દરેક વ્યક્તિને રસી મળે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર ખુબ જ પ્રયત્નશીલ રહી હતી. આ બાજુ ગુજરાત આરોગ્ય વિભાગની બેદરકારીને લીધે કોરોનાની રસીના 22,28,435 ડોઝ બગડી ગયા હતા. અમદાવાદ શહેરમાં આજે પણ રોજ બે-ત્રણ કેસ કોરોનાના સામે આવી રહ્યા છે પરંતુ કોરોનાની રસીનો કોઈ સ્ટોક જ ન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આખરે એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે, કૃપા કરીને કોરોનાની રસી લેવા માટે અહીં પધારશો નહીં, કારણ કે, રસી મળવાની હાલ કોઈ શક્યતા નથી. કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ અને પંજાબ કરતાં કોરોના રસીનો સૌથી વધારે બગાડ ગુજરાતમાં થયો હોવાનું સામે આવ્યું છે.
રસી સાચવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં રસીનો બગાડ થઇ રહ્યો છે. કોવિશિલ્ડ કરતાં કોવેક્સિન રસીનો વધુ બગાડ થયો હોવાનું સામે આવ્યું છે. આમ ગુજરાત સરકારની બેદરકારી બહાર આવી છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ગુજરાતને કોવિશિલ્ડ અને કોવેક્સીન રસીનો જથ્થો પુરો પાડવામાં આવ્યો હતો. જોકે, ગુજરાતમાં મોટાભાગના લોકો દ્વારા કોવિશિલ્ડ જ ૨સી લેવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરેલાં રિપોર્ટ મુજબ, તા.3 જી ઓગષ્ટ 2021 સુધી કેન્દ્ર દ્વારા 1,92,60,400 ૨સીનો જથ્થો આપવામાં આવ્યો હતો. જયારે રાજ્યની ખાનગી હોસ્પિટલોએ 9.55 લાખ કોવિશિલ્ડ અને 40,410 કોવિક્શીન રસી ખરીદી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં RT-PCR અને એન્ટિજન ટેસ્ટ કરવાની કામગીરી ચાલુ છે. રોજના 800થી 900 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે, જેમને શરદ તાવ, ઉધરસ થઈ હોય તેમને આ ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવે રહી છે પરંતુ તેનો પ્રતિસાદ ખૂબ ઓછો મળી રહ્યો છે.
મ્યુનિ. હેલ્થ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના વિરોધી રસીનો મ્યુનિસિપલ પાસેનો ઉપલબ્ધ સ્ટોક ખતમ થઈ ગયાને દસ દિવસ વીતી જવા પામ્યા છે પરંતુ રાજ્ય સરકાર પાસે માગવામાં આવી રહેલા આ રસીના જથ્થા માટે રાજ્ય સરકાર પાસે છેલ્લા દસ દિવસથી રસીનો સ્ટોક આવેલ નથી. આમ એક બાજુ લોકોને રસીના ડોઝ મળી રહ્યાં નથી બીજી બાજુ રસીનો બગાડ થયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.