દિવસે મા સરસ્વતીનું ધામ, રાત્રે દારૂડિયાઓની મહેફિલ: સુરતની આ આંગણવાડીમાં ઢગલાબંધ ખાલી દારૂની બોટલો મળી

Surat Anganwadi News: સુરતમાં દારૂડિયાઓએ તો હવે હદ વટાવી નાખી છે! કારણકે દારૂડિયાઓએ સાક્ષાત સરસ્વતીના મંદિરને અભડાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. દિવસે જ્યાં માસૂમ ભૂલકાઓને શિક્ષણ અપાય છે. ત્યાં રાત્રિના સમયે દારૂની રેલમછેલ થતી હોયે તેમ આંગણવાડીના(Surat Anganwadi News) પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ દારૂની બોટલને લઈને શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ અંગે ઉધના પોલીસમાં દારૂની બોટલો મળી આવી હોવાથી અરજી આપવામાં આવી છે.

દારૂ-બિયરની બોટલો જોવા મળી
સુરતમાંથી એક ચોંકાવનારું દૃશ્ય સામે આવ્યું છે. જ્યાં નાના બાળકો અભ્યાસ કરતા હોય તેવી સુરતની એક આંગણવાડી હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, શહેરના ઉધના વિસ્તારમાં આવેલી વિજયનગરની આંગણવાડીમાં ઢગલાબંધ દારૂ-બિયરની ખાલી બોટલો જોવા મળી છે. દારૂ-બિયરની બોટલો જોવા મળતા આંગણવાડીના સુપરવાઇઝરે કહ્યું કે, અગાઉ અમે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરી ચૂક્યા છીએ.

તો સ્થાનિકે કહ્યું કે, અહીં 4 સોસાયટીના બાળકો આવે છે. વારંવાર રજૂઆત કરવામાં આવે છતાં સાંભળવામાં આવતી નથી. ત્યારે દારૂની પોટલી, દારૂની બોટલ અને બિયરના ટીન જોઈને ચોક્કસથી કહી શકાય કે, અહીં રાત્રિના સમયે કઈ રીતે અસામાજિક તત્વો આવે છે અને દારૂની મહેફિલ કરે છે.

આંગણવાડી સુરક્ષાને લઈ પણ અનેક પ્રશ્નો ઊભા થયા
જોકે, સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આંગણવાડી સુરક્ષાને લઈ પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. રાત્રી સમયે કઈ રીતે અહીં લોકો આવીને દારૂની મહેફિલ માણી રહ્યા છે તંત્ર શું કાર્યવાહી કરશે આ મોટો પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે, 50 મીટરની આસપાસ જ ઉધના પોલીસ ચોકી આવી છે. તેમ છતાં અહીં કઈ રીતે અસામાજિક તત્વો બેફામ દારૂની મહેફિલ માણી રહ્યા છે.

વારંવાર જાણ કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી
સ્થાનિકોએ કહ્યું કે, આ આંગણવાડીમાં 4 સોસાયટીના બાળકો આવે છે. અહીં સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં રજૂઆત સાંભળવામાં આવતી નથી. પોલીસ અને પાલિકાને જાણે કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. બાળકો દારૂની ખાલી બોટલ અને પોટલી જુએ તો તેનામાં શિક્ષણની સાથે કેવા સંસ્કાર આવે તે પણ એક સવાલ છે.