ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં અસર: રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ

ગુજરાત(gujarat): હાલ સક્રિય થયેલા ગુલાબ વાવાઝોડા(Cyclone Gulab)ને કારણે રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમગ્ર…

ગુજરાત(gujarat): હાલ સક્રિય થયેલા ગુલાબ વાવાઝોડા(Cyclone Gulab)ને કારણે રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી(Heavy rain) કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આજે સવારથી જ અમદાવાદ(Ahmedabad)માં ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે.

મળતી માહિતી મુજબ, ‘ગુલાબ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સર્જાઈ રહ્યું છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’ સર્જાઈ રહ્યું છે. જણાવી દઈએ કે, 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા અનુસાર, ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આટલું જ નહીં પરંતુ, આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મંગળવારે ખાબકેલા વરસાદને લીધે રાજ્યમાં વાહનવ્યવહારને મોટી અસર પહોંચી હતી. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાર સ્ટેટ હાઈવે, 138 પંચાયતના માર્ગો મળીને કુલ 142 રસ્તાઓ બંધ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સુરત, નર્મદા, વલસાડ, અમદાવાદ, આણંદ, તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 100 મિ.મી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં 218 મિમી અને પલસાણામાં 192 મિમી વરસાદ થતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આટકોટમાં એક કલાકમાં 4 ઇંચ
જાણવા મળ્યું છે કે, વસાવડા અને ગોંડલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો અને આટકોટમાં એક કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે પણ હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને ઠંડક મળી છે. આ ઉપરાંત, ગોંડલમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યાં ઓશો આશ્રમમાં પાણી ભરાતા રોટલી બનાવવાનું મશીન સહિતના સાધનો પાણીમાં ગળાડૂબ થયા હતા. જયારે ગોંડલની ગોંડલી નદી ગાંડીતુર થઈ હતી. જેને કારણે ગોંડલ, કંટોલિયા અને વોરાકોટડા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

સુરતમાં ખાડીપૂરનું જોખમ
આ ઉપરાંત, સુરત શહેર સાથે જિલ્લામાં ભારે વરસાદને લઇ ખાડીઓના લેવલમાં વધારો થતાં શહેરના માથે ખાડીપૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. જણાવી દઈએ કે, ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતીઓ ખાડીઓના સ્તરમાં પણ વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ શહેરમાં સરેરાશ 2.7 ઇંચ વરસાદ થયો છે. ભેદવાડ ખાડી ભયજનક સપાટી 6.75 મીટરની લગોલગ છે. જ્યારે મીઠીખાડી ઓવરફલો થઇ શકે છે. ખાડીપૂરના સંક્ટથી પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી 2 લાખ પાણી છોડવામાં આવ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે જેથી નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી એટલે વધુ વરસાદ
સેન્ટ્રલ વૉટર કમિશનના વિજ્ઞાનીઓએ વરસાદની પેટર્ન પર કરેલું રિસર્ચ થિયોરિટિકલ એન્ડ એપ્લાઇડ ક્લાઇમેટોલોજીમાં પ્રકાશિત થયું હતું. જેમાં જણાવ્યા અનુસાર, લૉ પ્રેશરમાં થતા ફેરફારોને કારણે વરસાદની મંથલી પેટર્નમાં ફેરફારો જોવા મળ્યો છે. હવામાન ખાતાના નિયામકે જણાવ્યું હતું કે, આ વખતે સપ્ટેમ્બરમાં લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી હતી, જેને કારણે આ મહિને સારો વરસાદ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *