સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે કહેર મચાવ્યો છે. જેના કારણે કેટલાય દર્દીઓમાં મોત થય ચુક્યા છે. બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પીટલમાં બેડ મેળવવા માટે અને ઓક્સિજનન મેળવવા માટે ફાફા પડતા હતા. ત્યારે હજુ કોરોના થમ્યો નથી ત્યાં તો બીજો રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ ગુજરાત રાજ્યમાં નોંધાય ચુક્યા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
સમગ્ર દેશમાં સૌથી વધારે મ્યુકોરમાઈકોસિસના કેસો ગુજરાતના રાજકોટમાં નોંધાયા છે. જેને લીધે બુધવારના રોજ એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો અને રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકોને લઈને ઉચ્ચ લેવલની વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ગુજરાતમાં રાજકોટ શહેર અને અમદાવાદ શહેરમાં જ સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે.
રાજકોટ શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દરરોજ નવા 50 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયાએ સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના સેન્ટરો શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે ઇન્જેક્શન અને દવાઓ સુવિધાઓ માટે તૈયાર રહે તેવો આદેશ તંત્રને કર્યો છે. સાથે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયાએ કહ્યું છે કે રાજકોટને મ્યુકોરમાઇકોસિસ માટેનું સારવાર મોડલ બનાવવું જોઈએ અને જે પણ કાઈ સહાય જોશે એ તમામ સહાય મળી રહેશે તેવી ખાતરી આપું છું.
ત્યારે બીજી બાજુ, રાજકોટ શહેરમાં મ્યુકોરમાઇકોસિસ સારવાર માટે ખુબ લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. જેને લીધે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સમયસર સારવાર મળતી નથી.રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીની હાલત ખરાબ જોવા મળી રહી છે. હોસ્પીટલમાં OPD બિલ્ડિંગમાં નીચે ગાદલા નાંખીને સારવાર કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા 400 બેડની સુવિધા કરવામાં આવી છે જે એકદમ ખોટી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. સાથે અઠવાડિયાથી દર્દીઓને ઇન્જેક્શન નહિ અપાયા હોવાનો આરોપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ શહેરની સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસિસનો આંતક જોવા મળી રહ્યો છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં મ્યુકરમાઇકોસિસને લીધે 9 દર્દીઓમાં મૃત્યુ થઈ ચુક્યા છે. જેમાં જામનગરમાં મ્યુકરમાઇકોસિસને 5 દર્દીઓમાં મોત થયા છે. જયારે રાજકોટમાં 3 દર્દીઓના મોત થયા છે. તથા સુરેન્દ્રનગરમાં 1 દર્દીઓનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે.
આ મ્યુકોરમાઇકોસિસ છે શું?
મ્યુકોરમાયકોસિસએ એક પ્રકારની ફૂગથી થતો ઘાતક રોગ છે. આ ફૂગ આપણાં પર્યાવરણમાં સામાન્ય રીતે જમીનમાં જોવા મળે છે, મોટા ભાગે જમીન પર પડેલા સડતા પાંદડા, છાણ કે કોહવાતા કાર્બનિક પદાર્થોમાં આ ફૂગ પેદા થાય છે. આ ફૂગના કણો અથવા ફંગલ સ્પોર હવામાં હોય પણ સામાન્ય રોગ પ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને આ ફૂગ બહુ અસર નથી કરતી. પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને અન્ય બીમારીઓ હોય તેમને એ ચેપ લગાડી શકે છે અને આ ચેપ ખુબ જ ગંભીર હોય છે.
કોરોનાકાળમાં રોગપ્રતિકારક તંત્રની અતિ સક્રિયતાને ઓછી કરવા દરેક દર્દીને સ્ટેરોઈડ અને ગણ્યા ગાંઠ્યા દર્દીઓને ટોસિલીજુમાબ જેવી દવાઓ આપવાની ફરજ પડે છે. મૂળે આ દવાઓ રોગ પ્રતિકારક તંત્રને નિયંત્રિત કરી શરીરને સાઇટોકાઇન સ્ટ્રોમથી બચાવી લે છે. પણ આમ કરવા જતાં શરીરની ઇમ્યુનિટીને (રોગપ્રતિકારક શક્તિ) થોડી ધીમી પડે છે. આ સ્થિતિનો લાભ આ ફૂગ ઝડપી લે છે.
કોરોના થયેલા કયા દર્દીઓને આ રોગ થઇ શકે છે?
જેની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય તેમને આ રોગ થવાની વધારેમાં વધારે શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, લોહીના સફેદ ક્ણનું ખૂબ જ ઓછુ પ્રમાણ હોય, સ્ટેરોઈડની દવા ખૂબ લાંબા સમયથી ચાલુ હોય, આ બધા કેસમાં આ ચેપ લાગવાનો ભય રહે છે.
આ ચેપ કેવી રીતે લાગે છે?
આગળ જણાવ્યુ તેમ ફૂગના સૂક્ષ્મ કણો વાતાવરણમાંથી, જે નાક દ્વારા શરીરની અંદર ઘૂસી શકે છે. જો કે સારી વાત એ છે કે આ રોગ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાતો નથી.
કેવી રીતે બચવું?
સદભાગ્યે આ ફૂગથી બચવા પણ માસ્કની જ સલાહ આપવામાં આવે છે. હયૂમીડીફાયર (નવું ભીનાશ વાળું ઓક્સિજન માસ્ક વાપરવો), ઓક્સિજન સિલિન્ડરના હયૂમીડીફાયરમાં પણ સાદું ઘરેલુ પાણીના બદલે નોર્મલ સલાઈનનું પાણી ભરવું. દરેક દર્દી માટે ઓક્સિજન માસ્ક તદ્દન નવું જ વાપરવું (ડીસ્પોસેબલ). સૌથી અગત્યની વાત ડાયાબિટીસને કાબુમા રાખવી ખુબ જરૂરી છે. અને નિષ્ણાત અને અનુભવી ડોક્ટરની સલાહ મુજબ વર્તવું જોઈએ.
પોસ્ટ કોવિડ અથવા કોવિડ પછીના મ્યુકોરમાયકોસિસના લક્ષણો
– અનિયંત્રિત ડાયાબિટીસ
– નાક બંધ
– નાકમાંથી ડિસ્ચાર્જ (ડહોળાયેલું અથવા ગંદુ પાણી નીકળે)
– માથાનો દુખાવો
– આંખો આસપાસ દુખાવો
– આંખોમાં સોજો
– મોં અને નાકની ત્વચાના રંગમાં ફેરફાર (કાળી પડી જાય)
કેવી રીતે પકડી શકાય?
નેસલ (નાક ની) એન્ડોસ્કોપી (દૂરબીન) દ્વારા નાક અને સાયન્સનું પરીક્ષણ થાય છે. નાકમાંથી ગંદી વાસ આવતી હોય છે. સાથે સાથે નાકની અંદર વિચિત્ર રંગનું લીલાશ પડતું ડિસ્ચાર્જ હોય છે (ગંદુ પાણી નીકળે તો મ્યુકરમાયકોસિસની હાજરી હોવાની શક્યતા વધી જાય). લાળ, ગળફાં વગેરેનું લેબ ટેસ્ટિંગ થઈ શકે અથવા ટીશ્યૂ બાયોપ્સી દ્વારા પણ આ ફૂગની હાજરી જાણી શકાય છે. અત્યારે હાલ અત્યાધુનિક સી.ટી. સ્કેન અથવા MRI દ્વારા આ ફૂગની અસર ક્યાં અને કેટલા ભાગમાં થઈ છે તે શોધી કાઢવામાં આવે છે અને ત્યારબાદ સર્જરી કેવી રીતે કરવી એ નક્કી કરી શકાય છે.
સર્જીકલ સારવાર:
સર્જિકલ ઉપચાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સર્જિકલ ઉપચાર ખૂબ સખત હોઈ શકે છે. આ રોગ નાકમાંથી પ્રવેશતો હોવાથી નાક, કાન અને ગળાના ડોક્ટર ફ્રન્ટ લાઈન વોરિયર (મુખ્ય સર્જન) તરીકે અગ્ર ભાગ ભજવે છે. નાક દ્વારા દૂરબીન નાખીને સાયનસમાં જામી ગયેલ કાળી ફુગને નિપુણતાથી એટલે કે કાળજીપૂર્વક સંપૂર્ણ પણે કાઢવી પડે છે, જેની માટે વિશેષ અભ્યાસ અને નાક, કાન અને ગળામાં ઉચ્ચ તાલીમ પામેલા ડોક્ટર જ સક્ષમ હોય છે. ઘણી વખત મ્યુકોરમાર્ઇકોસિસનો રોગ વધારે ફેલાઈ ગયો હોય, જેમાં આંખ, તાળવું પણ હોમાઈ ગયું હોય તો આ સડી ગયેલી આંખ અને તાળવું કાઢવા માટે નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન અને આંખના સર્જનના સહયોગ જરૂરી છે. જો દર્દી અને સગાં સાવચેત ન રહે અને ઓપરેશન માટે ઢીલ કરે તો રોગ મગજમાં ઘુસી જઈને દર્દીના મોતનું કારણ બને છે.
મેડિકલ સારવાર:
ICMRના ગાઇડલાઇન્સ મુજબ લાઈપોસોમલ એમપ્ફોટેરિસીન બી (Liposomal Amphotericin B ) (Injection)આપવામાં આવે છે. જો આ દવા પણ કામ ના કરે તો કેસપોફંગીન (Caspofungin) તેની સાથે આપી શકાય. સર્જરી સાથે દવા તો ચાલુ જ રાખવામાં આવે છે.
મ્યુકરમાયકોસિસના કિસ્સા જૂજ જોવા મળે છે પણ તેમાં મૃત્યુદર ખૂબ જ ઊંચો છે. આ રોગ નવો નથી પણ છેલ્લા થોડા દિવસોમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં આ રોગનું અસ્વાભાવિક પ્રમાણ જોવા મળ્યું એટલે આ રોગ ચર્ચામાં આવ્યો છે પણ સાચી જાણકારી અને સારવાર વડે આ રોગથી પણ લડી જ શકાય છે. ખાસ તમને જણાવી દઈએ કે, આ લેખ માત્ર મેડિકલ જાણકારી સામાન્ય લોકોને મળે અને ખોટો ભય દૂર થાય તે માટે છે.
આવી પરીસ્થિતિમાં તમારે શું કરવું?
સૌથી પહેલા તો તમારી નજીકની ઇ એન.ટી. સર્જનની મુલાકાત લેવી જોઈએ. મ્યુકોરમાર્ઇકોસિસ ખૂબ જ ગંભીર અને જીવલેણ સ્થિતિ છે અને તેના માટે સમયસર અને આક્રમક વ્યવસ્થાપન જરૂરી છે. તે એક ડોકટરના બસની વાત નથી પરંતુ ડોકટર ટીમની જરૂર છે.
ઇએનટી અને સ્કલ બેઝ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ઓક્યુલોપ્લાસ્ટિક સર્જન (આંખના સર્જન), એનેસ્થેસ્ટિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, ચિકિત્સક (એમ.ડી. ફિઝિશિયન), માઇક્રોબાયોલોજિસ્ટ સાથે મળીને આપણે મ્યુકોરમાઈકોસીસ જેવી કોરોના પછીં (પોસ્ટ કોવિડ) આફતને હરાવી શકીએ છીએ…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.