પાટીદાર સમાજને મોટી ખોટ, હિંમતભાઇ ખેનીનું અકાળે નિધન

Published on: 12:10 am, Sun, 10 March 19

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ હિંમતભાઇ ખેનીનું આજે સવારે મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં અકાળે નિધન થતાં શહેરના ઉદ્યોગ જગતે મોટો આંચકો અનુભવ્યો છે. બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહીને મોટા ગજાના કામો કરતા શ્રી હિંમતભાઇ ખેની બોલવા કરતા કરીને બતાવવામાં જાણીતા હતા. તેઓ સુરતના જાણીતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ હિન્દવા ઉપરાંત એમ. કાંતિલાલ એક્સપોર્ટસ તેમજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ જેવી સંસ્થાઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા.

મૂળ સૌરાષ્ટ્રના પરવડી ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રી હિંમતભાઇ ખેની થોડા દિવસો પૂર્વે કમળાની બિમારીમાં સપડાયા હતા. કમળો એટલી હદે વકરી ગયો હતો કે તે કમળીમાં રૂપાંતરીત થઇ જતા તેમને વધુ ઘનિષ્ઠ સારવાર માટે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેશ વિદેશના ખ્યાતનામ તબીબોને હિંમતભાઇ ખેનીની ટ્રીટમેન્ટમાં જોતરવામાં આવ્યા હતા. પરંતુ, આજે રવિવાર તા.10મી માર્ચે સવારે હિંમતભાઇ ખેની આ દુનિયા છોડીને અનંત યાત્રાએ નીકળી ગયા હતા.

કમળો અને પછી કમળી થઇ ગઇ, વિશ્વના ખ્યાતનામ તબીબોએ ટ્રીટમેન્ટ કરી પણ છેલ્લે રવિવારે સવારે હિંમતભાઇ અનંત યાત્રાએ નીકળી પડ્યા હતા. એમ.કાંતિલાલ એક્સપોર્ટ-હિન્દવા ગ્રુપના શ્રી હિંમતભાઇ ખેનીના નિધનના સમાચાર મળતા જ શહેરના ઉદ્યોગપતિઓ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ, હીરા ઉધોગકારોમાં આંચકો અનુભવાયો હતો. તેઓ એક ઉમદા સામાજિક સંગઠનકાર પણ હતા. સુરતમાં પાટીદાર સમાજ દ્વારા વિશાળ  પરિસરના મુખ્યદાતા તેઓ હતા.