કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ(Hindu Temple Vandalised In Canada): કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. આ વખતે ઓન્ટારિયોમાં વિન્ડસર સ્થિત એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન આરોપીઓએ મંદિરની દિવાલ પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા પણ લખ્યા હતા.
આ ઘટના બુધવારે મધ્યરાત્રિએ લગભગ 12 વાગ્યે વિન્ડસર, ઓન્ટારિયોમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રકાશમાં આવી હતી. વિન્ડસર પોલીસે તોડફોડને ‘દ્વેષપૂર્ણ ઘટના’ તરીકે તપાસ શરૂ કરી છે, પોલીસ બે શકમંદોને શોધી રહી છે.
વિન્ડસર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘5 એપ્રિલ, 2023ના રોજ નફરતથી પ્રેરિત તોડફોડના અહેવાલોને પગલે અધિકારીઓને નોર્થવે એવન્યુના 1700 બ્લોકમાં એક હિન્દુ મંદિરમાં મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓને બિલ્ડિંગની બહારની દીવાલ પર કાળા રંગમાં હિંદુ વિરોધી અને ભારત વિરોધી ગ્રેફિટી જોવા મળી.
તપાસમાં પોલીસ અધિકારીઓને એક વીડિયો મળ્યો જેમાં બે શકમંદો મધ્યરાત્રિ પછી જોવા મળી રહ્યા છે. પોલીસે કહ્યું, ‘વીડિયોમાં એક શંકાસ્પદ વ્યક્તિ બિલ્ડિંગની દિવાલમાં તોડફોડ કરતો જોવા મળે છે, જ્યારે બીજો નજર રાખી રહ્યો છે.’
પોલીસને સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ મળ્યા છે. જેમાં 2 આરોપીઓ મંદિરની દિવાલ પર સ્લોગન લખતા જોવા મળે છે. વિન્ડસર પોલીસ સર્વિસે બંને આરોપીઓની શોધ શરૂ કરી છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સીસીટીવી ફૂટેજ જાહેર કરીને આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. ગયા વર્ષે જુલાઈ પછી કેનેડામાં આ પ્રકારની આ પાંચમી ઘટના છે.
મંદિર મેનેજમેન્ટે સ્ટાફને કરી દીધો એલર્ટ
મંદિરમાં કામ કરતા હર્ષલ પટેલે કહ્યું કે, મંદિરની દિવાલ પર સ્લોગન લખેલા જોઈને અમે ચોંકી ગયા. અહીં 20 વર્ષમાં પહેલીવાર આવું બન્યું છે. અમે તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી. મંદિરના તમામ સ્ટાફને આગળની કાર્યવાહી માટે ચેતવણી આપવામાં આવી છે. ત્યારે આ ઘટના બાદ શહેરનો હિંદુ સમુદાય નારાજ છે.
અગાઉ પણ હિન્દુ મંદિરોને બનાવવામાં આવ્યા હતા નિશાન
આ પહેલીવાર નથી કે કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોય અને તેની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હોય. આ પહેલા ફેબ્રુઆરીમાં કેનેડાના મિસિસોગામાં રામ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંદિરની અપવિત્રતાની નિંદા કરી અને કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી.
જાન્યુઆરીમાં બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિરને ભારત વિરોધી ગ્રેફિટીથી વિકૃત કરવામાં આવ્યું હતું, જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગૌરી શંકર મંદિરની તોડફોડની નિંદા કરતા કહ્યું હતું કે આ કૃત્ય કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચાડે છે. બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ મંદિરની તોડફોડની નિંદા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.