મોરબીના હળવદમાં હિટ એન્ડ રન, 8 વર્ષના બાળકને કચડીને ડમ્પર ચાલક ફરાર

A Hit and Run in Halwad: હળવદના કેદારીયા ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ જતા ડમ્પરના ચાલકે રોડ ક્રોસ કરતા માસૂમ બાળકને ઠોકર મારતા બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.ત્યારે આ બાળકના મોતના પગલે તેનો પરિવાર(A Hit and Run in Halwad) ઘેરા શોકમાં ગરકાવ થયો છે.

હિટ એન્ડ રનની ઘટનામાં 8 વર્ષના માસુમનો લેવાયો ભોગ
હળવદના કેદારીયામાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે.આ ઘટનાના કારણે હસતા રમતા પરિવારનો તારો ખોવાઈ ગયો છે.ગઈકાલે 28 જાન્યુઆરીએ રાજકોટમાં એક ટેન્કર ચાલકે પિતા-પુત્રને કચડી નાખ્યાં, તો આજે મોરબી જિલ્લાના હળવદમાં પણ આવી ઘટના ઘટી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, કેદારીયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં હળવદ તરફથી આવતું ડમ્પર ધનાળા ગામ તરફ જતું હતું. જે પૂરઝડપે જતા ડમ્પરચાલકે રોડ ક્રોસ કરી રહેલા 8 વર્ષના બાળકને હડફેટે લીધું હતું. જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા માસૂમ બાળકને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. બનાવને પગલે હળવદ પોલીસ દોડી ગઈ હતી અને મૃતક ક્રિષ્ના મજેઠીયા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પરચાલક નાસી ગયો હતો. જેથી હળવદ પોલીસે ફરાર ડમ્પરચાલકને ઝડપી લેવા અને ફરિયાદ નોંધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગતરોજ અકસ્માતમાં પિતા-પુત્રનો ભોગ લેવાયો હતો
રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં પિતા અને પુત્રના કરૂણ મોત થયા છે. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પિતા-પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.