કરોડોની જાહેરાતના લીરેલીરાં..! એક જ મહિનામાં 595 નવજાત બાળકોનાં ગુજરાતમાં ટપોટપ મોત

Malnourished child: ગુજરાત સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા માટે આરોગ્ય અને મહિલા બાળ વિકાસ વિભાગના બજેટમાં વધારો કરવામાં આવે છે, પણ કુપોષણ દૂર કરવામાં સફળતા…

Malnourished child: ગુજરાત સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા માટે આરોગ્ય અને મહિલા બાળ વિકાસ વિભાગના બજેટમાં વધારો કરવામાં આવે છે, પણ કુપોષણ દૂર કરવામાં સફળતા મળી નથી તે બહાર આવ્યું છે.વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાવર્ષ દરમ્યાન કુલ રૂ. ૩,૩૧૧ કરોડ ફાળવાયા હતા, આમ છતાં કુપોષણનું(Malnourished child) પ્રમાણ ઘણું છે. રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીમાં જતાં ૩૨.૪૧ લાખ બાળકોમાંથી ૨.૨૮ લાખ બાળકો એટલે કે લગભગ ૭.૦૪% બાળકો કુપોષિત હોવાનું રાજ્ય સરકારે જ સ્વીકાર્યું છે.

263 જેટલા નવજાત બાળકો જન્મ લે તેના એક સપ્તાહમાં જ મૃત્યુ પામ્યા
બે વર્ષમાં હોસ્પિટલ તેમજ તેના અલગ અલગ વિસ્તારોમાં કાર્યરત મેટરનિટી હોમમાં કુલ 18,659 બાળકોએ જન્મ લીધા છે. જેમાંથી 2926 જેટલા બાળકો કુપોષિત હોવાનું સરકારી કાગળ ઉપર નોંધાયું છે. એટલું જ નહીં 263 જેટલા નવજાત બાળકો જન્મ લે તેના એક સપ્તાહમાં જ મૃત્યુ પામ્યા છે સાથે 130 બાળકોનો મૃત અવસ્થામાં જન્મ થયો છે. 26 જેટલી માતાઓ પ્રસૂતિ સમયે જ મૃત્યુ પામી છે.

ગુજરાત કરતાં અન્ય 17 રાજ્યોનું પર્ફોર્મન્સ સારું
ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકોનાં ટપોટપ મોત થયા છે. બાળ મૃત્યુ દર – કુપોષણની સમસ્યા સામે લડવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારમાં આરોગ્ય સેવા સુધારા-સંશાધનો ઉભા કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મનિષ દોશીએ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં અવલ્લ નંબરે છે. દેશના ગ્રોથ એન્જિન મનાતા વાઈબ્રન્ટ ગુજરાત કરતાં અન્ય 17 રાજ્યોનું પર્ફોર્મન્સ આના કરતાં વધુ સારું છે.

બાળ મૃત્યુના કલંકને દૂર કરવા કરોડોનો ખર્ચ
મનિષ દોશીએ કહ્યું કે કુપોષણ અને બાળ મૃત્યુના કલંકને દૂર કરવા કરોડોનો ખર્ચ કરવા છતાં ઠોસ પરિણામ જોવા મળી રહ્યું નથી. ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે દાહોદ, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, અમદાવાદ શહેર ટોચ ઉપર આવે છે. છેલ્લા એક મહિનામાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 53 નવજાત શિશુએ અંતિમ શ્વાસ લીધા છે. એ જ રીતે મહેસાણા અને કચ્છ જીલ્લામાં 41-41, બનાસકાંઠામાં 31, આણંદમાં 24, પંચમહાલ અને અમદાવાદ શહેરમાં 23-23 જ્યારે રાજકોટ, વડોદરા અને સાબરકાંઠામાં 22-22 નવજાત શિશુએ દમ તોડ્યો છે.

નવજાત શિશુના મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે
સરકારની અનેકવિધ યોજનાઓ છતાં કુપોષણ-બાળ મૃત્યુના કલંકને દૂર કરવામાં હજુ ઠોસ પરિણામ મળ્યા નથી, તે પણ એક હકીકત છે. ગુજરાતમાં વર્ષ 2020માં 12,119 નવજાત શિશુના મોત રજિસ્ટર્ડ થયા હતા નવજાત શિશુના મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 13,807 નવજાતના શિશુના મોત થયા હતા. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં 11,585, રાજસ્થાનમાં 11,187 બાળકના મોત રજિસ્ટર્ડ થયા હતા.

તેમજ આ અંગે દોશીએ પ્રશ્ન પૂછ્યા હતાં તેના જવાબમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા બે વર્ષની અંદર 16 ટકા જેટલા સ્મિમેર હોસ્પિટલની અંદર કુપોષિત બાળકો જન્મ લીધા છે. બે ટકા બાળકોના જન્મ દરમિયાન મૃત્યુ પામ્યા છે. એક મહિલા તરીકે આ વાત કરતા પણ મને દુઃખ લાગે છે. ભાજપા જ્યારે મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય અને કુપોષણના પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય ત્યારે આવી પરિસ્થિતિ ખૂબ જ વિચલિત કરનાર છે. મહિલાઓની વાતો કરનાર ભાજપા મહિલાઓના નામે ચરી ખાતા હોય છે પરંતુ મહિલાઓને પૌષ્ટિક આહાર મળતો નથી આ રૂપિયા ક્યાં ગયા? કુપોષિત બાળકો અને મહિલાઓનું શું?ગુજરાત સરકાર ક્યારે જાગશે?