ભુજ(Bhuj): માંડવીના ત્રગડી – ગુંદીયાળી ત્રગડી વચ્ચે રવિવારે યોજાયેલા ઘોડા દોડમાં એક વિચિત્ર કરુણાંતિકા સર્જાઈ છે. સુલતાંનસા પીરના મેળામાં ઘોડા દોડની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યુવાનના અણધાર્યા મૃત્યુથી પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ છે. આ ઘટનાનો લાઈવ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘોડા દોડની સ્પર્ધામાં ઘોડો વિજપોલમાં અથડાતા યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે માંડવીના ગુંદીયાળી-ત્રગડી વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં ઘોડા દોડની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેવા આસપાસના અનેક ઘોડેસવારો આવ્યા હતા. બપોર બાદ યોજાયેલી આ ઘોડા દોડમાં ઘોડો પુરપાટ ઝડપે દોડી રહ્યો હતો, ત્યારે ધૂળની ડમરીઓના કારણે પાછળ આવતા એક ઘોડે સવારને આગળ કંઈ દેખાતું નહોતું. ત્યારે આગળ નીકળવાની ઉતાવળે અચાનક વીજ થાંભલા સાથે અથડાયો હતો અને તેના પર સવાર યુવાન રાજદિપસિંહ જાડેજા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી.
વીજ-થાંભલા સાથે ઘોડો અથડાતાં સવારનું મોત pic.twitter.com/Y7EKJNqcDL
— Trishul News (@TrishulNews) February 14, 2022
આ યુવાનને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું. આ ઘટનાથી ગામ સહિત પરિવારમાં ચકચાર સાથે શોક છવાયો છે. હતભાગી યુવાન અશ્વપ્રેમી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તેનું મોત અશ્વના કારણે થશે તેનું કદી તેણે અને પરિવારે સપનામાં પણ વિચાર્યું નહી હોય. ઘોડા સ્પર્ધાની હરીફાઈમાં સર્જાયેલી આ કરુણ ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા છે.
બીજી બાજુ માંડવી પોલીસ તપાસ કરતા આ બનાવ અંગે કોઈ નોંધ દાખલ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.દરમ્યાન આ ઘટનાનો લાઈવ વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે માંડવીના ત્રગડી – ગુંદીયાળી ત્રગડી વચ્ચે યોજાયેલા ઘોડા દોડ સ્પર્ધામાં ઘોડદોડની મંજૂરી હતી કે નહીં? કોઈ સુરક્ષા કરવામાં આવી હતી કે નહીં? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.