ગુજરાત(Gujarat): રાજ્ય માહિતી આયોગ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ(RTI) ૨૦૦૫ અંતર્ગત સેક્શન ૪ મુજબના પ્રો- એક્ટીવ ડીસ્ક્લોસર(Proactive Disclosure) દિન ૯૦ માં સુરત શહેર પોલીસ ખાતા દ્વારા બનાવી જાહેર કરવા માટે ગુજરાત સરકાર તથા સુરત શહેર પોલીસ કમિશ્નર અને અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગને સૂચના આપવામાં આવેલ છે.
સુરત શહેરના જાગૃત નાગરિક અને RTI એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા(Sanjay Izawa) દ્વારા સુરત શહેર ટ્રાફિક પોલીસ ખાતામાં આર.ટી.આઈ અંતર્ગત અરજી કરીને ટ્રાફિક ખાતા દ્વારા વર્ષ ૨૦૦૫ થી ૨૦૨૧ સુધી જાહેર કરવામાં આવેલ પ્રો- એક્ટીવ ડીસ્ક્લોસર અંગેની માહિતી માંગવામાં આવેલ હતી. જ.માં.અધિકારી અને નાયબ પોલીસ કમિશ્નર શ્રીની કચેરીમાં અરજીઓ સ્વીકારવાની ના પાડતા અરજદાર દ્વારા અરજીઓ સ્પીડપોસ્ટ મારફતે ટ્રાફિક ખાતાની ઓફીસમાં ટપાલ દ્વારા મોકલી આપવામાં આવેલ હતી.
સુરત ટ્રાફિક ખાતા દ્વારા અરજીનો યોગ્ય જવાબ નહી આપતા અપીલ અધિકારી અને અધિક પોલીસ કમિશ્નર, ટ્રાફિક એન્ડ ક્રાઈમમાં અપીલ કરવામાં આવેલ હતી. અપીલ અધિકારી એવા અધિક પોલીસ કમિશ્નર પણ અપીલ અરજી સ્વીકારવાની ના પાડતા અંતે સંજય ઇઝાવા દ્વારા ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.
સરકારી ખાતા માં થઇ રહેલ કામકાજ અંગે નાગરિકોને ઘર બેઠા માહિતી મળે તે હેતુ થી તમામ ખાતાના વડા દ્વારા પોતાના ખાતાની માહિતીઓ પોતાના ખાતાની વેબ સાઈટ ઉપર દર વર્ષે જાહેર કરવાની હોય છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના સેક્શન ૪ માં આ અંગે નિયમો ઉમેરવામાં આવેલ છે. આ કાયદો અમલમાં આવ્યો ત્યારથી ૧૨૦ દિવસ માં તમામ ખાતાઓ દ્વારા પોતાની માહિતી ૧૭ જેટલા અલગ અલગ નમુના મુજબ જાહેર કરવાની હોય છે.
જેથી નાગરિકોને કોઈ પણ ખાતાની માહિતી અરજી કર્યા વગર ઘર બેઠા જોવા મળે તે એનો હેતુ છે. પણ અહિયાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પ્રો- એક્ટીવ ડીસ્ક્લોસર થી માહિતી આપવાની વાત તો દૂર ની છે, એક્ટીવલી પણ માહિતી નથી આપતા અને અરજદાર માહિતી માંગે ત્યારે પણ યેન કેન બાના બતાવીને અરજીઓ સ્વીકારવાની પણ ના પડવામા આવે છે. અને કદાચ અરજી સ્વીકારી લે તો માહિતી આપવામાં પણ ગલ્લા તલ્લા કરે છે.
રાજ્ય માહિતી આયોગ દ્વારા તારીખ ૦૩.૦૧.૨૦૨૨ ના રોજ અરજદાર સંજય ઇઝાવાની ૧૬ જેટલી બીજી અપીલનો નિકાલ કરીને હુકમ કરવામાં આવેલ છે કે રાજ્ય સરકાર આ બાબતે ધ્યાન આપીને તમામ સરકારી કચેરીના પ્રો- એક્ટીવ ડીસ્ક્લોસર તાત્કાલિક બનાવીને નાગરિકોને જોવા મળે તેમ દિન ૯૦ માં જાહેર કરવાની રહશે. સાથે સાથે સુરત શહેર પોલીસ કમિશ્નર અને અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગને પણ સૂચના આપવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.