પુરપાટ ઝડપે આવી રહેલ ST બસે બાઇકને ટક્કર મારતા સર્જાયો ભયાનક અકસ્માત, પતિ-પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત

Santrampur Accident: રાજ્યમાં દિનપ્રતિદિન ગોઝારા અકસ્માતની ઘટના જાણે કાળ બનીને માથે મંડરાતી હોય તેવી એક બાદ એક ઘટના સામે આવી રહી છે.ત્યારે રાત્રિના સમયે સંતરામપુર શહેર ખાતેથી પસાર થતા બાયપાસ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી.બસે બાઈક સવાર દંપતી તેમજ અન્ય બાઇક સવાર પિતા-પુત્રી(Santrampur Accident) અને એક તુફાન ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલક પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઇક પર સવાર પિતા-પુત્રીને ઇજાઓ પહોંચી હતી.

ત્રીપલ અકસ્માતની ઘટના બની
સંતરામપુર શહેરના રહેવાસી મોહનભાઈ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિ પોતાની મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી પીટોલ મોરબી એસટી.બસે જોરદાર અકસ્માત સર્જતાં બંને પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મોટરસાયકલ પર સવાર બાબુભાઈ ડામોર તેમજ તેમની એક નાની દીકરી પણ હતી. જેમને પણ આ બસે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે એક તુફાન ગાડીને પણ બસે ટક્કર મારી હતી. તુફાન ગાડીમાં કોઈ સવાર નહોતું અને તે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી હતી. આમ રાત્રે સંતરામપુર બાયપાસ ઉપર ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા
સમગ્ર બનાવ બનતા લોકટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને મૃતક મોહનભાઈ પ્રજાપતિના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના પુત્ર દ્વારા ઘટનાસ્થળે આવી અને સંતરામપુર પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. જ્યારે બંને પતિ-પત્નીના મૃતદેહને પોલીસે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાઇક ઉપર સવાર પિતા-પુત્રીને ઇજાઓ પહોંચતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સંતરામપુર પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
સંતરામપુર બાયપાસ રોડ ઉપર સર્જાયેલ અકસ્માત બાબતે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. બસ ચાલકે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જ્યો હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી. મોહનભાઈ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિ બંને પતિ પત્નીનું અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં બસ ચાલક વિરુદ્ધ મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ હતી.

માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો
તો બીજી તરફ આજે સવારે ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળ કાર અથડાતા અકસ્માત સર્જયો હોવાની માહિતી સામે આવી છે. જેના પગલે બે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે,જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. તથા એક યુવાનને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઇ જતા મોત નીપજ્યું છે. માલવણ સીએનજી પંપ જોડે સર્જાયેલ અકસ્માતમાં કુલ ત્રણ યુવાનોના મોત થયા છે.