હાલમાં અંગદાનને લઈ જયારે લોકોમાં જાગૃતતા આવી રહી છે ત્યારે હાલમાં આવા જ અન્ય એક સમાચાર સામે આવ્યા છે. દોઢ મહિના અગાઉ જ કચ્છ ભુજની પુત્રવધૂ અર્પણા તુષાર મહેતાનું અંગદાન કરીને જૈન પરિવારે સમાજમાં સેવાનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો.
જયારે વિદેશમાં એક મહિના પહેલા મૂળ ગુજરાતના સુરતના શ્રીમાળી સોની પરિવારે આ સેવાકીય કાર્ય કર્યું છે. પતિને બ્રેઈન સ્ટ્રોક આવી જતા મૃત્યુ નિશ્ચિત હતું ત્યારે પત્નીએ તેમના અંગદાનનો નિર્ણય લઈ લીધો હતો તેમજ લીવર, કિડની તથા ફેંફસાનું પ્રત્યાર્પણ કરીને 3 આરબ વ્યક્તિને જીવનદાન આપવામાં આવ્યું હતું.
ગત 11 જુલાઈની સાંજે દુબઈમાં રહેતા 55 વર્ષીય નિલેશભાઈ અરવિંદભાઈ ચિતાનીયાને રક્ત દબાણ વધી જતાં તાત્કાલિક ICU માં બોલાવી સારવાર કરવામાં આવી હતી પણ સ્ટ્રોક એટલી હદ્દે વધી ગયો હતો કે, તેમના રહેણાંકના પાર્કિગમાં જ કોમામાં સરી પડ્યા હતા.
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પણ ડોકટરની ટીમ દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરી દેવામાં આવ્યા હતા. મૃત્યુ નિશ્ચિત હતું ત્યારે સમાજને ઉપયોગી થવાના વિચારની સાથે તેમના પત્ની ખુશ્બુબેને બેભાન પતિના હૃદય પર હાથ રાખીને તેમને નિર્ણય જણાવ્યો હતો કે, અંગદાન કરવું છે કે, જેથી તેમની સ્મૃતિ જીવંત રહે.
દુબઈથી વાત કરતા ખુશ્બુબેન જણાવે છે કે, જાણે કે તેમની મંજુરી હોય તેવી પ્રેરણા મળી તેમજ હું અને મને સતત સાથ અને સહકાર આપતા સૌરભ પચ્ચિગરે આ પ્રક્રિયા માટે દુબઇની સેહા કિડની કેરના વહીવટકર્તાને જાણ કરી ફૉર્માલીટી પૂર્ણ કરી હતી.
17 જુલાઈ, 2021 ના રોજ નિલેશના ફેફસાં એક 35 વર્ષની વ્યક્તિમાં લગાવી દેવામાં આવ્યા હતા જયારે એક કિડની 57 વર્ષના માણસ પાસે ગઈ હતી તેમજ 43 વર્ષીય પુરુષમાં લીવરનું સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.
સમસ્ત ગુજરાતી સોની સમાજ માટે ગૌરવની વાત:
સિદ્ધિ મેળવે ત્યારે સમાજના તમામ લોકો તેની નોંધ લેતા હોય છે તેમજ ગૌરવ લેતા હોય છે. જયારે નિલેશભાઈનું મોત થયું એ દુઃખદ ઘટના છે પણ તેના નીધન પછી તેમના અમૂલ્ય અંગોનું દાન કરવાના નિર્ણય અર્ધાંગિની ખુશ્બૂબેને લેતા સમસ્ત ગુજરાતી સોની સમાજ માટે ગૌરવશાળી ઘટના કચ્છી શ્રીમાળી સોની સમાજના આગેવાન જયેશભાઈ પ્રભુભાઈ ગુંસાણીએ ગણાવી હતી.
ખુશ્બુબેનને દુબઈ સરકાર તરફથી પ્રસંશાપત્ર:
પતિના અંગદાન કરવાના નિર્ણયને દુબઈ સરકારે સરાહ્યો હતો. યુએઈ ટ્રાન્સપ્લાંટેશનના ચેરમેન ડૉ. અબ્દુલ અલીકરમે લેખિતમાં પ્રસંશા કરતા કહ્યું હતું કે, પરિવાર પર આવી પડેલ આફતની વચ્ચે આ નિર્ણય સમાજ માટે ખુબ પ્રેરણાદાયી છે. દર્દીઓ કે જેમને જીવનદાન મળ્યું છે, તેમને જીવન જીવવાની આશા આપવા બદલ આભાર માનવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.