આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આજે લોકો નાની-નાની બાબતોમાં હતાશ થઈને જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ભાવનગર(Bhavnagar) શહેરના રહેવાસી એક શ્રમજીવી પરિવારના શિક્ષિત બેરોજગાર યુવાને અનેક પ્રયત્નો કરવા છતાં સરકારી નોકરી ન મળતાં હતાશામાં આવી રવિવારે આપઘાત કર્યો હતો. ત્યારે મૃતકે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. તેમજ આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.
મૃતક યુવક સરકારી નોકરી મેળવવા પ્રયત્નશીલ હતો:
મળતી માહિતી અનુસાર, 30 વર્ષીય હિતેશ ભરતભાઈ સોરઠિયા ભાવનગર શહેરના વડવાચોરા વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતો હતો. હિતેશ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરી મેળવવા માંગતો હતો. જેના માટે તેણે સખત મહેનત કરી હતી અને પોલીસની ભરતીમાં બેથી વધુ વખત જોડાયો હતો, પરંતુ પાસ ન થતાં હિંમત હારી ગયો હતો. પોતાનું સ્વપ્ન પૂરું નહીં થાય એવા માનસિક ડર સાથે ડિપ્રેશનમા સરી પડ્યો હતો. જેને પગલે યુવકે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
યુવાનના સુસાઇડ નોટના અંતિમ શબ્દો:
આપઘાત કરતા પહેલા યુવકે એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં આશાસ્પદ યુવાન હિતેશે લખ્યું હતું કે, ‘હું મારી મરજીથી મરું છું તો મારાં મમ્મી-પપ્પા અને ભાઈને હેરાન ના કરતા, મને માફ કરી દેજો, હું આ પગલું ભરુ છું તો.. મારું સપનું હતું પોલીસ જવાન બનવાનું…’ આમ અંતિમ શબ્દો સાથે યુવાને આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે યુવકના પરિવારજનો માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
યુવાનો આવેશમાં આવી આવા અઘટિત પગલાં ન ભરે: ગોપાલ ઇટાલિયા
તેમજ આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ગઈકાલે ઢળતી સાંજે મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા તથા તેના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. તેઓએ તેના પરિવારનોને મળી દિલાસો આપ્યો હતો અને શિક્ષિત યુવાનો આવેશમાં આવી આવા અઘટિત પગલાં ન ભરે, તેઓ મિત્રો-પરિવારના સંપર્કમા રહે તથા માનસિક રીતે હતાશ કોઈ વ્યક્તિ જણાય તો મિત્રો તથા સ્નેહીઓએ આવી વ્યક્તિને મદદ કરવા અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.