પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ચૂંટણી લડવાને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): શનિવારના રોજ અંબાજી મંદિરે(Ambaji temple) દર્શન કરવા માટે પહોંચેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)એ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતની 2022ની વિધાનસભા ચૂંટણીને લઇને ટિકિટ મળે જ તેવો કોઇ આગ્રહ સેવી રહ્યા નથી. જો પાર્ટી(BJP) તરફથી તેમને ચૂંટણી લડવાનું કહેવામાં આવશે તો જ તેઓ ચૂંટણી લડશે, અન્યથા પાર્ટી માટે કામ કરતા રહેશે.

વિજય રૂપાણીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, મેં અગાઉ પણ કહ્યું છે કે, મારા માટે મારી પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ હું કામ કરતો રહીશ. હું હંમેશાં કહેતો આવ્યો છું કે પહેલા હું ભાજપનો કાર્યકર્તા છું. ભાજપ પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશ, નહીં લડાવે તો નહીં લડું. હું સતત ભાજપની સરકાર પુનઃ પ્રસ્થાપિત થાય તે માટે કામ કરતો રહીશ.

જો વાત કરવામાં આવે તો એક રીતે વિજય રૂપાણીએ મોટો રાજકીય સંકેત આપી દીધો છે. ભાજપ દ્વારા અમુક ઉંમરથી વધુ વયના અને ત્રણ કે તેથી વધુ ટર્મ ચૂંટણી લડી ચૂકેલા નેતાઓને ટિકિટ ન આપવી એવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં વિજય રૂપાણીએ અંબાજીમાં જણાવેલી બાબતથી હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીમાં નવા ચહેરાઓ માટે જગ્યાઓ ખાલી કરવામાં આવી રહી છે. આ અગાઉ ભાજપના ઘણાં વરિષ્ઠ નેતાઓ પોતાની રીતે જ ચૂંટણી નહીં લડવા અંગેના સંકલ્પો જુદા-જુદા મંચ પરથી કે ફોરમમાં રજૂ કરી ચૂકેલ છે.

ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જ મધુ શ્રીવાસ્તવ સહિતના કેટલાંક ધારાસભ્યો આગ્રહ રાખી રહ્યા છે કે, પાર્ટીએ તેમને ટિકિટ આપવી જ પડશે. જો કે હજુ પણ નહીં બોલનારાં કેટલાંય ધારાસભ્યોએ પોતાની મુઠ્ઠી બાંધીને રાખી છે અને પાર્ટીને કેટલેક અંશે એવી ચિંતા પણ છે કે, ટિકિટ કપાશે તો કેટલાંક નારાજ નેતાઓ ચૂંટણી સમયે ઉમેદવાર વિરુદ્ધ કામ કરીને ભાજપના રાજકીય સમીકરણો બગાડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આવી સ્થિતિમાં ભાજપના ઉચ્ચનેતાઓ કેવી રણનીતિ અપનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *