ગઈકાલે એટલે કે, શિક્ષક દિનનાં દિવસે જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલ થોરડી ગામમાં શાળામાં જ એક શિક્ષકે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ હોવાની કરૂણ ઘટના સામે આવતા શિક્ષકસમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી છે કે, જેમાં મૃતક શિક્ષકે 2 તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી તથા એક આચાર્યના ત્રાસથી જીવન ટુંકાવી લીધું હોવાનું પગલું ભર્યું હોવાનો સનસનીખેજ વિગત લખી છે.
જેનાં અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકની દીકરીએ કહ્યું છે કે, આપઘાત કરતા પહેલા સ્યૂસાઈડ નોટ વોટ્સએપ કરી હતી કે, જેમાં આ લોકોએ માનસિક રીતે ટોર્ચર કર્યા એટલે આ પગલું ભર્યું છે તેમ લખ્યું હતું.
શાળાના રૂમમાં જ કર્યો આપઘાત:
સમગ્ર વિશ્વમાં ગઈકાલે શિક્ષક દિનની ઠેરઠેર ઉજવણી થઈ હતી. શિક્ષક સમાન ગુરૂઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલ થોરડી ગામમાં શિક્ષકે શાળામાં જ ગળાફાંસો ખાધાની કરૂણ ઘટના સામે આવી છે.
બપોરના સુમારે ગીરગઢડા તાલુકામાં આવેલ થોરડી ગામની શાળામાં ફરજ બજાવી રહેલ શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના ઓરડામાં પંખા પર દોરડા વડે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ દરમ્યાન શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
જેને કારણે પોલીસ અધિકારી સ્ટાફની સાથે દોડી આવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે શિક્ષકના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો કે, જેમાં શિક્ષક ઘનશ્યામભાઈએ ગળાફાંસો ખાતા પહેલા લખેલ એક સુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી.
પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી:
પોલીસને મળેલ સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ 2 ટીપીઓ તથા એક આચાર્ય દ્વારા તેમની પાસેથી ખુબ મોટી રકમની માંગણી કરીને અસહ્ય ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આપઘાત મામલે મૃતક શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાની દીકરીએ જયેશ રાઠોડ – ગીરગઢડા TPO, જયેશ ગૌસ્વામી – ઉના TPO, દિલીપ ગધેસરીયા – જામવાળા પે સેન્ટરના આચાર્ય તથા વાલાભાઈ ઝાલા શિક્ષક થોરડી પ્રાથમીક શાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મારા પિતા 20 દિવસથી પરેશાન હતા: પુત્રી
મારા પિતા છેલ્લા 20 દિવસથી માનસીક રીતે ખુબ પરેશાન હતા. તેમને ઘણીવાર કોલ આવતા જેથી તેઓ ડરી જતાં હતા તેમજ મને કહેતા હતા કે, પૈસાની ખુબ તકલીફ છે તેમજ કર્મચારી ખુબ હેરાન કરે છે. મારા પિતાને દારૂ પીવાની લત હતી. તે બાબતે ટીપીઓ અને કર્મચારી નોકરી જવાનો ભય બતાવી પરેશાન કરતા હતા. તેને 15 દિવસ પહેલા બેંકમાંથી પૈસા ઉપાડી આ અધિકારીઓને આપ્યાનું મને કહ્યું હતું.
2 ટીપીઓને 25 લાખ ચૂકવ્યા:
ઘનશ્યામભાઇએ સ્યુસાઇડ નોટમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પોતે અરીઠિયા પ્રાથમિક શાળામાંથી આવ્યા ત્યારે ટીપીઓ ગૌસ્વામી તેમજ જયેશ રાઠોડે 25 લાખ રૂપિયા માંગ્યા હતા તો પે સેન્ટરના આચાર્યએ કુલ 7 લાખ રૂપિયા માંગ્યા હતા.
જયેશ ગોસ્વામી 1 માસથી ફરાર:
જેમની વિરુદ્ધ રૂપિયા લીધાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે એ પૈકીના એક જયેશ ગોસ્વામીની અગાઉ તાલાળામાં ઉચાપત પ્રકરણમાં સંડોવણી ખુલી હતી કે, જેથી તેઓ છેલ્લા એક મહિનાથી ફરાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.