અમદાવાદ(Ahmedabad): શહેરમાં મોડી રાત્રે વરસેલા ધમાકેદાર વરસાદ(Heavy rain)ના કારણે આખું શહેર જળબંબાકાર થઇ ગયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પાણી ભરાવવાને કારણે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી ગયો છે. ત્યારે આ દરમિયાન શહેરના પ્રહલાદનગર રોડ(Prahladnagar Road) પર ઔડાના તળાવની પાળી તૂટતા તળાવના પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટ(Vrajvihar Apartment)ના બેઝમેન્ટમાં ફરી વળતા આખેઆખું પાણીથી ભરાય ગયું છે.
બેઝમેન્ટમાં મૂકેલા વાહનો પાણીમાં થઇ ગયા ગરકાવ:
બેઝમેન્ટમાં મૂકેલા વાહનો બેઝમેન્ટના પાણીમાં ગરકાવ થઇ ગયા છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો પર તળાવના પાણી ફરી વળતા બેઝમેન્ટ જાણે કે દરિયો થઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી:
વાત કરવામાં આવે તો અમદાવાદમાં આખી રાત વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના રોડ-રસ્તાઓ પર પાણી ભરાઇ જવાને કારણે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વખત આવી ગયો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
આખી રાત ખાબકેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઇ જવાને કારણે લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર, શ્યામલ, જીવરાજ પાર્ક અને પાલડીમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
તો બીજી તરફ અમદાવાદ શહેરના નિકોલ, નરોડા, કૃષ્ણનગર, ઓઢવ, રખિયાલ, હાટકેશ્વર, ઈસનપુર અને અજીત મીલ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. આ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં મણિનગર, જજીસ બંગલો, રાણીપ, મીઠાખળી, બોપલ, ઘુમા, ગોતા, ચાંદલોડિયાઅને પરિમલ અંડરપાસમાં પાણી ભરાઇ જવાને કારણે વાહનચાલકોએ સવાર-સવારમાં નોકરીએ ફરી-ફરીને બીજા રસ્તેથી જવાના દહાડા આવી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.