સુરતના કોસંબામાં માત્ર 13 મિનિટમાં ATM તોડીને 8.68 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર- થોડે દુર જતા જ થયું એવું કે…

આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં તસ્કરો એટીએમ તોડીને ચોરી કરતા કેમેરેમાં કેદ થઇ જાય છે. આ દરમિયાન આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વેલછા ગામનાં બેંકનાં એટીએમમાં મોડી રાતે ગેસ કટરથી એટીએમ મશીન કાપીને 8,68,000 રુપિયાની ચોરી કરીને ગઠિયાઓ ફરાર થઇ ગયા છે.

આ ચોરી માત્ર 13 મિનિટનાં સમયગાળામાં જ કરવામાં આવી હતી. જોકે, એટીએમમાંથી રુપિયા લઇને ભાગતા ચોરોની ઇકો કારમાં થોડા જ અંતરે પંક્ચર પડ્યું હતુ. જેથી તેઓ તે કાર ત્યાં જ મૂકીને ગામમાં જઇને બીજી ઇકો કારની ચોરી કરીને તેમાં ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને આ ચોરોની તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કોસંબાનાં વેલછા ગામમાં ચોરો એકવાર એટીએમની રેકી કરીને જાય છે અને બીજી વખત ગેસ કરટથી માત્ર 13 જ મિનિટમાં મશીન કાપીને 8,68,000 રુપિયાની ચોરી કરીને ફરાર થઇ જાય છે. વેલાછા ગામમાં રેલવે સ્ટેશન રોડ ફળિયામાં આવેલા સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના મકાનમાં ફીટ એટીએમ સેન્ટરમાં રાતના 2:36 વાગ્યે સફેદ ઈકો કાર (GJ-05RH-7692)માં આવ્યા હતા. આ ચોરીમાં 5થી વધુ ચોરો હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ લોકોએ લાલ રંગની બુકાની બાંધીને ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

તસ્કરો દ્વારા ગેસ કટરથી એટીએમ મશીન કાપીને અંદર રહેલી રોકડ મૂકવાની પ્લાસ્ટિકની કેસેટો ખેંચીને તોડીને બહાર કાઢવામાં આવી હતી. આ કેસ ભરેલી પ્લાસ્ટિકની કેસેટો લઈને ઈકો ગાડીમાં 2:49 વાગ્યે ભાગી ગયા હતાં. એટીએમથી થોડી જ દૂર જતા માંગરોળ કોસંબા સ્ટેટ હાઈવે પર ખુલ્લી જગ્યામાંથી કેસેટોમાંથી રોકડ કાઢીને બાકીનું ત્યાં જ ફેંકી દીધું હતું.

આ દરમિયાન તેમને જાણ થઇ કે તેમની ગાડીમાં પંક્ચર છે. એટલે આ ચોરો વાહન લેવા માટે ફરીથી બેંક પાસે આવ્યા હતા અને 2:55 વાગ્યે બેંકની બાજુમાં રહેતા રાકેશભાઈ પ્રજાપતિની ઈકો કાર નં. (GJ-05JN-7971)ની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. બેંકના મેનેજરને પણ ઇ સર્વેલન્સથી જાણ થતાં તેઓ પણ આવી ગયા હતાં.

તસ્કરોએ ખુલ્લા પ્લોટમાં જે બેંકની કેસ કેસેટ ફેંકી હતી તેમા 9500 જેટલી રકમ રહી ગઈ હતી. જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી હતી. બ્રાન્ચના બેંક મેનેજરની ફરિયાદના આધારે 8.68 લાખની ચોરી તેમજ બેંકની બાજુમાં પાર્ક કરેલી ઇકો કારના 2.50 લાખ મળી કુલ 11,18,000ની ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, સુરત ડિસ્ટ્રિકટ બેંકના ATM ઈ સર્વેલન્સ સિસ્ટમના માધ્યમથી જોડ્યા છે. જેમાં સીસીટીવી સહિત અને બેંકના એટીએમને તોડવાનો પ્રયત્ન કરે તો, એક સાયરન એટીએમ સેન્ટરમાં વાગે છે અને તરત જ મેઈન ઓફિસમાં જાણ થઇ જાય છે. ત્યારબાદ જેતે ઓફિસની બ્રાન્ચના મેનેજરને જાણ કરવામાં આવતી હોય છે.

પરંતુ, ચોર એટલા શાતીર હતા કે તેમણે સર્વેલન્સ સિસ્ટમને નિષ્ફળ બનાવી હતી. બેંકના એમડી, મહાવીરસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, ઇ-સર્વેલન્સ સિસ્ટમ હોવાથી ATMમાં સાયરન વાગ્યું હતું. જે અંગે હેડ ઓફિસથી જે તે બ્રાન્ચ મેનેજરને જાણ કરવામાં આવી હતી. પરંતુ, સ્થળ પણ પહોંચે તે પહેલાં ચોરો ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *