અનૈતિક પ્રેમ સબંધે 3 વર્ષના માસુમનો લીધો જીવ: ક્રૂર માતાએ પ્રેમી સાથે મળી પોતાના જ સંતાનની કરી દર્દનાક હત્યા, જાણો મામલો

Surat News: સુરતના સરથાણા વિસ્તારમાંથી અજીબ હત્યાની ઘટના સામે આવી છે. અનૈતિક પ્રેમ સંબંધમાં ત્રણ વર્ષના બાળકનો ભોગ લેવાયો છે. પતિને છોડી મહિલાએ પ્રેમી સાથે ભાગવા માટે ત્રણ વર્ષના બાળકની હત્યા નીપજાવી હતી.જે અંગે પોલીસને(Surat News) જાણ થતા પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

3 વર્ષના માસુમ બાળકની જનેતા બની હત્યારી
બનાવ અંગે મળતી વિગતો અનુસાર,મહિલા લીલા ત્રણ વર્ષના બાળક સાથે પ્રેમી અજય જોડે રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં ફરાર થઈ ગઇ હોવાની જાણ થઈ હતી. જેને લઇ મહિલાના પતિએ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના દાનપુર પોલીસ મથકમાં પ્રેમી અજય અને પત્ની સામે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસ બંનેને શોધખોળ કરી રહી હતી. દરમિયાન ગતરોજ 25 દિવસ બાદ બાસવાડાની દાનપુર પોલીસે મહિલા અને પ્રેમીની ધરપકડ કરી હતી. જો કે, પોલીસે બંનેની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી ત્રણ વર્ષનું બાળક મળી આવ્યું ન હતું. જેને લઇ પોલીસે બાળક વિશે પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી. બંનેએ રાજસ્થાન પોલીસને જણાવ્યું હતું કે સુરતના સરથાણા વિસ્તારમાંથી ભાગતા પહેલા ત્રણ વર્ષના બાળકની હત્યા કરી હતી અને ત્યારબાદ તેઓ ફરાર થયા હતા.

બાળકનો મૃતદેહ પાણીના ખાડામાંથી મળી આવ્યો
રાજસ્થાન પોલીસને બાળકના હત્યાની જાણ થતા સ્થાનિક સરથાણા પોલીસની મદદ મેળવી હતી. રાજસ્થાન પોલીસે આરોપી પ્રેમી પ્રેમિકાઓ અને સરથાણા પોલીસની સાથે રાખી બનાવ વાળી જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જ્યાંથી પોલીસને હત્યા કરાયેલા ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ પાણીના ખાડામાંથી મળી આવ્યો હતો.

પોલીસે કરી આરોપીઓની ધરપકડ
રાજસ્થાન પોલીસે ત્રણ વર્ષના બાળકનું મૃતદેહનું સુરતની હોસ્પિટલમાં પીએમ કરાવ્યા બાદ બાળકના મૃતદેહનો કબજો મેળવી રાજસ્થાન પરત થઈ ગયા હતા. જોકે હાલ તો આ સમગ્ર બનાવવા અંગે રાજસ્થાન પોલીસે સરથાણા પોલીસની મદદ મેળવી પત્ની લીલા અને તેના પ્રેમિ અજય સામે અપહરણ બાદ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.