ઘરમાં નાનું બાળક હોય તો પાન-માવા ખાનારા સાવધાન/ સુરતમાં 5 વર્ષની બાળકીની આંખમાં ચૂનો પડતા બન્યું એવું કે…

Surat News: જો તમારા ઘરમાં નાના બાળકો હોઈ અને તમે પાન-મસાલા ખાતા હોઈ તો તમારા માટે એક ચેતવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ડિંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીએ રમત-રમતમાં તમાકુમાં નાંખવામાં આવતો ચૂનાની પડીકી ખોલી રહી હતી. દરમિયાન તે ઊડીને તેની આંખમાં પડતાં આંખનું ઓપરેશન(Surat News) કરવાનો વારો આવ્યો હતો. તેમજ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે ક્લિયર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોકટરે વ્યક્ત કરી હતી.

તમાકુમાં નાખવામાં આવતો ચૂનો જમણી આંખમાં પડ્યો
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગરમાં પત્ની તેમજ બે સંતાન સાથે રહે છે. નિલેશભાઈ રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક દીકરી લાવણ્યા (5 વર્ષ) ઘર પાસે આવેલી આંગણવાડીમાં અભ્યાસ કરે છે.ત્યારે પંદરેક દિવસ અગાઉ ઘરમાં ફ્રીઝ પાસે તેના દાદા અશોકભાઇએ તમાકુમાં નાખવાનો ચૂનો મૂક્યો હતો. લાવણ્યા ઘરમાં રમી રહી હતી. દરમિયાન તે રમત-રમતમાં ચૂનો લઈ લીધો હતો અને તેને મોંઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી. અચાનક તે ચૂનો ખુલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો. જેથી લાવણ્યા જોર-જોરથી રડવા લાગી હતી.

ચૂનો આંખમાં પડતાં ઇન્ફેક્શન થયું
લાવણ્યાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાંથી આંખમાં નાંખવાના ટીપાં સહિતની દવા લઈને આવ્યા હતા. ત્યાર બાદ શનિવારે સવારે અચાનક લાવણ્યાને આંખમાં દુખાવો થતાં પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં આંખનું ઓપરેશન કરવાનું કહ્યું હતું.

બાળકોને ચૂનાથી દૂર રાખવાની અપીલ કરી
છેવટે પરિવારજનો બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેવી ડોકટરે સંભાવના વ્યક્ત કરી હતી. નાના-નાના બાળકો રમતાં હોય ત્યારે પરિવારજનો તેઓને એકલા મૂકીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતાં હોય છે. ત્યારે અનેકવાર બનતી ગંભીર ઘટનાઓ બાળકો માટે જીવલેણ સાબિત થતી હોય છે.