સુરત/ આંજણા ફાર્મ ઇન્ડસ્ટ્રીમાં ઉપરથી કોમ્પ્રેસર તૂટીને યુવકના માથે પડતાં ઘટના સ્થળે જ મોત, 3 મહિના પહેલા લગ્ન થયા’તા

Surat News: સુરતમાં આવેલી જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોઈડરીના ખાતાની લિફ્ટ તૂટી પડી હતી.ત્યારે નીચે હાજર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.તે પૈકી એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે અન્ય એકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુરતની(Surat News) સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.ઘટનાને પગલે સ્થળ ઉપર ઘણી અફરાતફરી મચી ગઈ હતી.મૃતકના ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. જેથી હાથની મહેંદી અગાઉ જ માથાનો સિંદૂર ભૂંસાઈ ગયો હતો.

સીસીટીવીમાં મોત કેદ થયું
મળતી માહિતી અનુસાર,આંજણા ફાર્મ ખાતે આવેલી જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે એક એબ્રોડરીના ખાતાના ત્રીજા માળેથી લિફ્ટમાં એર કોમ્પ્રેસર ટેન્ક ઉતરવામાં આવી રહ્યું હતું.ત્યારે અચાનક લિફ્ટ અર્ધ વચ્ચેથી તૂટી જતા તે નીચે પડી ગઈ હતી.જેને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.લિફ્ટ તૂટી જવાને કારણે ખાતાનો કારીગર લલન રામ મિશ્રા કે જેની ઉમર 30 વર્ષ હતી અને ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલી કે જેની ઉમર 40 વર્ષ ને ગંભીર ઈજાઓ થઇ હતી.

લિફ્ટ ગેરકાયદેસર બનાવવામાં આવી હતી: એસીપી
એસપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, જય ઇન્ડસ્ટ્રીના ખાતા નંબર 31 અને 32માં ત્રીજા માળે ભાવેશભાઈ સોનાણીનું એમ્બ્રોડરીનું કારખાનું આવેલું છે. તે જ માળેથી માલ સામાનની હેરફેર કરવા માટે લોડિંગ લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. મશીનમાં ઉપયોગમાં લેવાતું એર કમ્પ્રેસરને મેન્ટેનન્સ કરવા માટે નીચે ઉતારતા હતા તે દરમિયાન બીજા માળે પહોંચતા વાયર તૂટી જતા એર કમ્પ્રેસર મશીન નીચે બે યુવાનો પર પડ્યું હતું. જેમાં લલનનું મોત થયું છે અને બીજા એક પારસને માથામાં ઇજા થઈ છે. આ ઘટનામાં લિફ્ટ ગેરકાયદે લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

બીજા માળેથી કમ્પ્રેસર માથે પડ્યું
લલન મિશ્રાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જયારે પારસ માલીને ઈજાગ્રસ્ત હાલત 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ સલાબતપુરા પોલીસ કાફલો તરત જ ઘટના સ્થળે પોહચી આવ્યો હતો અને સ્થળ પરની તપાસ કરી હતી.વધુમાં પોલીસે જણાવ્યું છે કે મૃત્યુ પામેલ લલન મિશ્રા એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરતો હતો અને ખાતાના નંબર 311 માં જ રહેતો હતો.બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.