ભારતીયોને સરકારનો લોલીપોપ: છેલ્લા 3 મહિનામાં ક્રૂડ 48% સસ્તું પણ કિંમત 8% જ ઘટી, જાણો શું છે ગોટાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો છેલ્લા ત્રણ મહિનામાં 48.33% ઘટી ચૂકી છે, પરંતુ ઓઈલ કંપનીઓએ આ દરમિયાન સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલમાં ફક્ત 8% ભાવ ઘટાડ્યા છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલ સસ્તું થવાનો લાભ ગ્રાહકોને આપવાના બદલે સરકારી ખજાનો ભરવાનો નિર્ણય કર્યો છે. સરકારે શનિવારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 3-3 રૂપિયા વધારી દીધી છે.

કેન્દ્રના નોટિફિકેશન પ્રમાણે એક્સાઈઝમાં રૂપિયા 2 અને રોડ સેસમાં રૂપિયા એકનો વધારો કરાયો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આ આઠ વર્ષનો સૌથી મોટો વધારો છે. જોકે, ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નિષ્ણાતોના કહેવા પ્રમાણે, એક્સાઈઝના કારણે હાલ રિટેલ કિંમતો વધવાની શક્યતા નથી. ક્રૂડ ઓઈલની કિંમત ઘટવાની સાથે તે એડજસ્ટ થઈ જશે. એક્સાઈઝ વધવાથી સરકારની વાર્ષિક આવક રૂપિયા 39 હજાર કરોડથી રૂપિયા 45 હજાર કરોડ સુધી વધવાની આશા છે.

સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર પહેલા ત્રિમાસિકમાં ક્રૂડની કિંમતમાં ઘટાડાનો મહત્તમ લાભ ગ્રાહકોને અપાયો. હવે કથળતી આર્થિક સ્થિતિને પગલે સરકારે રેવન્યૂ વધારવા એક્સાઈઝ ડ્યૂટી વધારી છે. આ ભંડોળમાંથી વિકાસકાર્યો આગળ ધપાવી શકશે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાને પગલે 11 જાન્યુઆરી પછી પેટ્રોલ-ડીઝલની કિંમત રૂપિયા 6થી વધુ ઘટી ચૂકી છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ પ્રતિ લિટર અનુક્રમે રૂપિયા 69.87 અને રૂપિયા 62.58 હતો.

પેટ્રોલમાં રૂપિયા 22.98 અને ડીઝલમાં રૂપિયા 18.83 એક્સાઈઝ (પ્રતિ લિટર) થઈ ગઈ. આ ઉપરાંત બંને પર પ્રતિ લિટર રૂપિયા 10-10 રોડ સેસ પણ લગાવાયો. 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે પેટ્રોલ રૂપિયા 9.48 અને ડીઝલ પર રૂપિયા 3.56 એક્સાઈઝ (પ્રતિ લિટર) હતી. નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે ક્રૂડની કિંમતમાં ઘટાડાનો ફાયદો લોકોને આપવાના બદલે મોદી સરકારે નવ વખત એક્સાઈઝ વધારીને તિજોરી ભરી હતી. એ 15 મહિનામાં પેટ્રોલ પર રૂપિયા 11.75 અને ડીઝલ પર રૂપિયા 13.47 એક્સાઈઝ વધારાઈ હતી.

તેના કારણે 2016-17માં એક્સાઈઝ તરીકે રૂપિયા 2.42 લાખ કરોડ ભેગા કરાયા હતા, જ્યારે 2014-15માં આ આંકડો રૂપિયા 99 હજાર કરોડ હતો. એપ્રિલ 2014 પછી પેટ્રોલ પર 142% અને ડીઝલ પર 429% એક્સાઈઝ વધારાઈ છે. ઓક્ટોબર 2017માં બે રૂપિયા એક્સાઈઝ વધારાઈ હતી, જ્યારે એક વર્ષ પછી ફરી રૂપિયા 1.5નો ઘટાડો કરાયો. જોકે, જુલાઈ 2019માં ફરી પ્રતિ લિટર રૂપિયા 2 ડ્યૂટી વધારી દેવાઈ.

તારીખ 1 જાન્યુઆરી, 2020ના રોજ ભારતના બજારમાં ક્રૂડની કિંમત પ્રતિ બેરલ રૂપિયા 4,638 હતી. તારીખ 14 માર્ચે તે 48.33% ઘટીને પ્રતિ બેરલ રૂપિયા 2,396 થઈ ગઈ. બીજી તરફ, પેટ્રોલની કિંમત 8.11% ઘટીને રૂપિયા 76.04થી 68.87 પર પહોંચી છે. આ દરમિયાન ડીઝલની કિંમત પણ 7.87% સુધી ઘટી છે. જો કંપનીઓ ક્રૂડની કિંમતના ઘટાડાનો બધો લાભ ગ્રાહકોને આપે તો પેટ્રોલની કિંમતમાં આશરે રૂપિયા 36 સુધીનો ઘટાડો થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *