વિશ્વ પ્રખ્યાત શ્રી રંગનાથસ્વામી મંદિર દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં શ્રીરંગમની પાવન ભૂમિ પર સ્થાપિત છે. આ મંદિર તિરુચિરાપલ્લી શહેરના શ્રીરંગમ નામના દ્વીપ પર બનેલું છે, જેને ભુ લોક વૈકુંઠ પણ કહેવાય છે. આ મંદિર સૃષ્ટિના પાલનહાર નારાયણ ભગવાન વિષ્ણુના સ્વરૂપ રંગનાથ ભગવાનનું છે. ભગવાન રંગનાથ ને વિષ્ણુનો જ અવતાર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. માન્યતા છે કે ભગવાન શ્રીરામે તેમને પોતાના વાસ્તવિક રૂપ વિષ્ણુ ના દર્શન આ જ સ્થળે આપ્યા હતા.
પૌરાણિક કથાઓ મુજબ, આ મંદિરમાં ભગવાન રામે લાંબા સમય સુધી દેવતાઓની આરાધના કરી હતી. ભગવાન રામ જ્યારે રાવણ ને હરાવીને પાછા ફરી રહ્યા હતા ત્યારે આ સ્થાન તેમને વિભીષણ ને સોંપી દીધું હતું. માન્યતા છે કે, ભગવાન રામ પોતાના વાસ્તવિક સ્વરૂપ શ્રી વિષ્ણુ રૂપમાં પ્રગટ થયા હતા. અહીં રંગનાથ ના રૂપમાં નિવાસ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. તે સમયથી જ અહીં ભગવાન વિષ્ણુ રંગનાથ સ્વામી ના રૂપ માં વાસ કરે છે.
ભગવાન વિષ્ણુને સમર્પિત, રંગનાથ સ્વામી મંદિર મહત્વપૂર્ણ સ્થળોમાંથી એક છે. પીઠાસીન દેવતાની પૂજા ભગવાન રંગનાથ ના રૂપમાં કરવામાં આવે છે. અહી શ્રી રંગનાથ સ્વામી ભગવાન વિષ્ણુને શેષનાગ પર વિશ્રામની અવસ્થામાં સ્થાપિત કરાયા છે. મંદિરમાં મુખ્ય દેવતાની મૂર્તિ ગ્રેનાઈટ થી નહીં પરંતુ સ્ટુકો પથ્થર થી બનેલી છે.
આ વિશાળ મંદિર પરિસર નું ક્ષેત્રફળ લગભગ 6,31,000 વર્ગ મી માં ફેલાયેલું છે. શ્રીરંગમ મંદિર નું પરિસર 7 પ્રકારો અને 21 ગોપુર માંથી મળીને બનેલું છે. આ મંદિરનું મુખ્ય ગોપુરમ એટલે કે મુખ્ય દ્વાર 236 ફૂટ ઊંચો છે તેને રોજગોપુરમ કહેવાય છે.