હાલમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં રાપર તાલુકાના ત્રંબો ગામે સગા બાપે જ તેની દિકરીને વાયર વડે ક્રૂરતાથી માર મારતા શરીરના પાછળના ભાગે તેના નીશાન ઉપસી આવ્યા હતા અને એક ક્ષણે તો માસુમ બેભાન થઈ ગઈ હતી, ત્યાં સુધી માર મારતા પંથકમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
મળતી માહિતી મુજબ મૂળ ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામના વતની અને હાલ ત્રંબોમાં વાડી કરતા નારણ હરિ ભાલાણી કોલીએ સંભવત રાજાપાઠમાં 7 વર્ષની માસુમ પુત્રીને માર મારતા રાપરની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
પુત્રીને છોડાવવા માટે તેની માતા વચ્ચે પડતાં તેમને પણ માર મારવાનું જાણવા મળે છે. આ અંગે સરકારી હોસ્પિટલ દ્વારા પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તો સૂવઈના રહેવાસી અને બાળકીના નાના રામજીભાઈ ગેલાભાઇ કોલી એ ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે, આટલી નાની માસુમ છોકરીને અને તેની માતાને પણ માર માર્યો હોવાની જાણ થતા તે અંગે રાપર પોલીસને જણાવવામાં આવ્યું છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, એક સપ્તાહથી માસુમ બાળકી તેના દાદાના ઘરે ભરુડીયા હતી. જેને બાઈકમાં લેવા ગયેલા પિતાએ ત્યાંથી રસ્તામાં જ વાયર વડે માર મારતો મારતો લઈ આવ્યો હતો. ઘટનાની જાણ થતા ઓળખીતાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા પણ રાત્રે હોસ્પિટલ પહોંચીને નિવેદન લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.