સુરત: ઉત્તરાયણમાં પતંગના દોરાથી ઈજાગ્રસ્ત નાગરિકો અને પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ

Uttarayan 2024: ઉત્તરાયણની મઝાએ અબોલ પક્ષી માટે સજા બનતો તહેવાર છે.પતંગની દોરી( Uttarayan 2024 )ના કારણે કેટલાય મૂંગા પક્ષીઓના જીવ જાઈ છે.તેમજ ઘાયલ થતા હોઈ છે.ત્યારે નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે નર્સિંગ એસોશિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા હેલ્પલાઈન સેવા બહાર પાડવામાં આવી છે.જેમાં આવી કોઈપણ પરિસ્થિતી સર્જાઈ તો તેનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે.

છેલ્લા સોળ વર્ષથી આ સંસ્થા કાર્યરત
છેલ્લા ૧૬ વર્ષથી નર્સિંગ એસોશિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા હેલ્પલાઈન સેવા સાથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવે છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે, ત્યારે આ વર્ષે પણ દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે મેયર દક્ષેશભાઈ માવાણીની વિશેષ ઉપસ્થિતિમાં હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સંગીતા પાટીલએ જીવદયા અભિયાનમાં જોડાવાની અપીલ કરી
આ પ્રસંગે સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, નિર્દોષ, અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. વર્ષ ૨૦૧૭ થી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને સારવાર માટે દસ દિવસીય ‘કરૂણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે, નવી સિવિલ, નર્સિંગ એસો. દ્વારા સતત ૧૬ વર્ષથી હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવે છે તેની સરાહના કરી સુરતવાસીઓ પણ આ જીવદયા અભિયાનમાં જોડાય એવી અપીલ કરી હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવા સરાહનીય
મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે, શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ જીવદયા અને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓ માટે છેલ્લા ૧૬ વર્ષથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવા સરાહનીય છે. આમ નાગરિકો સાથે આરોગ્યકર્મીઓ જાગૃત્ત બનવા સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર થઈ રહ્યા છે એમ જણાવી નર્સિંગ એસો.અને સિવિલ તંત્રની પહેલને બિરદાવી હતી.

વધુમાં વધુ લોકોને જાગૃત્ત કરવા અનુરોધ કરાયો
​​​​​​​યુવાનો અને બાળકોના પંતગ ઉડાવવાના ઉત્સાહમાં ઉતરાયણ પર્વે આકાશમાં મુકતપણે વિહાર કરતા પક્ષીઓ દોરીથી ઘાયલ થવાના તેમજ મૃત્યુ પામવાના અનેક બનાવો બનતા હોય છે એવા સમયે હેલ્પલાઈન નંબરો પર કોલ કરીને વધુમાં વધુ પક્ષીઓને બચાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે એફ.એમ. રેડિયોમાં જિંગલ્સ, બોર્ડ-બેનરો, હોર્ડિંગ્સ, સ્કૂલોમાં બાળકોને જાગૃત્ત કરવા નાટકો, વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા હોવાનું ઉમેર્યું હતું.