મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઈન્દોર(Indore)માં એક યુવકે પહેલા ઝેર આપીને પરિવારના સભ્યોની હત્યા કરી નાખી અને પછી પોતે આપઘાત કરી લીધો. મૃતકનું નામ અમિત યાદવ છે. પહેલા તેણે પોતાની પત્ની ટીના યાદવ અને ત્રણ વર્ષની પુત્રી અને દોઢ વર્ષના પુત્રની ઝેર આપીને હત્યા કરી અને પછી પોતે આપઘાત કરી લીધો હતો. ચાર લોકોના મોતથી ચકચાર મચી ગઈ હતી. સુસાઈડ નોટમાં દેવાથી પરેશાન હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે, કે ઈન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભગીરથપુરા પોલીસ ચોકી વિસ્તારમાં રહેતા અમિત યાદવે દેવાથી પરેશાન થઈને પોતાની પત્ની અને બાળકોને ઝેર પીવડાવીને મારી નાખ્યા અને પછી પોતે આપઘાત કરી લીધો હતો.
હકીકતમાં, જ્યારે મધ્યપ્રદેશના સાગરના રહેવાસી અમિત યાદવે મંગળવારે સવારે તેના પરિવારના સભ્યોનો ફોન ઉપાડ્યો ન હતો, ત્યારે તેના ભગીરથપુરામાં રહેતા સાસરિયાઓને જાણ કરવામાં આવી હતી. આ પછી જ્યારે તેની સાસુ અને પરિવાર ઘરે પહોંચ્યા તો કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. આવી સ્થિતિમાં બાણગંગા પોલીસને આ અંગે માહિતી આપવામાં આવી હતી.
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડ્યો તો અમિત યાદવનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. નજીકમાં બંને બાળકો અને પત્ની બેડ પર પડ્યા હતા. જયારે તેની તપાસ કરવામાં આવી તો મૃત મળી આવ્યા હતા. ડીસીપી ધર્મેન્દ્ર ભદૌરિયાના જણાવ્યા અનુસાર, અમિત ટાવર કંપનીમાં ટેક્નિકલ અને સેટઅપનું કામ કરતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ‘અમિતના સાસરિયાઓ નજીકમાં છે. રોજનું ભોજન તેમની સાથે જ થતું હતું અને ત્યારબાદ ઘરે માત્ર સુવા માટે આવતા હતા. એક દિવસ પહેલા તેઓ ઉજ્જૈન મહાકાલ મંદિરના દર્શન કરવા અને શાહી સવારીમાં સામેલ થવા ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેણે દરવાજો ખોલ્યો ન હતો. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં કર્જ માથે થઇ ગયું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
સુસાઇડ નોટમાં અમિત યાદવે ઘણી કંપનીઓ પાસેથી લોન લેવાનો ઉલ્લેખ કર્યો છે, જે તેઓ આપી શક્યા ન હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પાડોશીઓના કહેવા પ્રમાણે, અમિતનું વર્તન બધા સાથે ખૂબ જ સારું હતું અને આજુબાજુમાં કોઈની સાથે કોઈ વિવાદ ન હતો. એક સાથે ચાર લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.