અંધશ્રધ્ધા: બનાસકાંઠામાં ભુવાએ 7 મહિનાની બાળકીને આપ્યા ડામ, અને બાળકીનું થયું કરુણ મોત…

સમાન્ય રીતે ભારતીય લોકો વિવિધ અંધશ્રધ્ધા માં માનતા હોય છે.  આવી જ એક ઘટના ગુજરાતના બનાસકાઠા જીલ્લમાં બનેલી છે.

સાત માસની માસૂમ બાળકીને તેના મા-બાપે ભૂવા પાસે ડામ અપાવ્યાના પાંચ દિવસ બાદ આખરે બાળકી મોતને ભેટી છે. બનાસકાંઠા જિલ્લાની આ ઘટનામાં ગણતા ગામની બાળકી ઝબકીને ઉઠી જતી હતી, અને રડવા લાગતી હતી. જેના પછી બાળકીના મા-બાપ તેને ભૂવા પાસે લઈ ગયા હતા, જ્યાં ભૂવાએ આ બાળકીને પેટના ભાગે સળિયાથી ડામ આપ્યા હતા.

માત્ર સાત મહિનાની બાળકીને ડામ અપાયા બાદ તેની તબિયત બગડી હતી. ચાર દિવસ પહેલાની આ ઘટનામાં બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાળકીની ડીસાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ તેની તબિયત દિવસેને દિવસે બગડી રહી હતી.

પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ગામોમાં આજે પણ અંધશ્રદ્ધાનો ભયાનક પ્રભાવ છે. અહીં બાળક બીમાર પડે ત્યારે લોકો તેમને પહેલા ડૉક્ટર પાસે નહીં, ભૂવા પાસે લઈ જાય છે. થરાદ, વવ તેમજ સૂઈગામ તાલુકામાં આવતા ગામોમાં સાક્ષરતાનો દર ખૂબ જ ઓછો છે, અને જનજગૃતિના કાર્યક્રમો લોકો સુધી પહોંચી જ નથી શકતા. અહીં સરકારે આરોગ્યની સેવા ઉભી કરી છે, પરંતુ લોકો દોરા-ધાગા, ઝાડફુંક પર વધુ વિશ્વાસ રાખે છે.

ભૂવા પાસે વિધિ કરાવ્યા બાદ પણ જો બાળકની તબિયત ન સુધરે ત્યારે જ લોકો નાછૂટકે બાળકને ડૉક્ટર પાસે લાવતા હોય છે. કેટલાક કિસ્સામાં તો ભૂવા જ બાળકોના મા-બાપને ડૉક્ટર પાસે લઈ જશો તો તકલીફમાં મૂકાશો તેમ કહી ડરાવતા હોય છે. બનાસકાંઠામાં 2 જુનના રોજ 2 વર્ષનો એક બાળક આ જ રીતે ભૂવા દ્વારા ડામ અપાયા બાદ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો.

આ અંગે આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ સોમવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર આ મામલે તપાસ કરી રહી છે અને સંબંધીત અધિકારીઓને તપાસના આદેશ અપાયા છે. બનાસકાંઠાના એસપી પ્રદીપ સેજુલે આ અંગે કહ્યું હતું કે, બાળ સંરક્ષણ અધિકારીને સમગ્ર મામલા પર રિપોર્ટ આપવા માટે કહેવાયું છે, તેના આધારે પોલીસ કાર્યવાહી કરશે.

પોલીસ સાથે કામ કરતા જિલ્લા બાળ સંરક્ષણ અધિકારી ડૉ. નરેશ વી મેનાતે જણાવ્યું હતું કે, જેવી અમને આ અંગે માહિતી મળી કે તરત જ અમે હોસ્પિટલ પહોંચ્યા હતા, અને તપાસ શરુ કરી હતી. દરેક પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર હોય છે, અને આ કેસમાં પણ અધિકારી તપાસ કરી રહ્યા છે. તેમના રિપોર્ટ પર પોલીસ પણ મામલાની તપાસ કરીને એફઆઈઆર દાખલ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *