ગુજરાત(Gujarat): મોંઘવારી(Inflation)ના મહામાર વચ્ચે સામાન્ય જનતાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. શાકભાજી, દૂધ, મસાલા અને ઈંધણના ભડકે બળી રહેલા ભાવ વચ્ચે સામાન્ય જનતા પીસાઈ રહી છે.
વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થતા જ ગૃહિણીઓ આખા વર્ષ માટે મસાલાઓ ભરતી હોય છે. ત્યારે હવે મસાલા ના ભાવ પણ વધી રહ્યા છે. ગૃહિણીઓએ આ વખતે એક સાથે લેવાતા મસાલા પર મજબૂરી એ કાપ મૂકવો પડે તેમ છે. કારણ કે મસાલા ના ભાવમાં 50% થી 200% સુધીનો મસમોટો વધારો થયો છે. આ ભાવ વધારાનું એકમાત્ર કારણ માવઠું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે લાલ મરચું અને જીરાના ભાવમાં ગયા વર્ષ કરતાં 50% નો વધારો થયો છે. વાત કરવામાં આવે તો ગયા વર્ષે પીસેલું મરચું 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું હતું. અત્યારે હવે આ મરચું 500 થી 550 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે મળી રહ્યું છે. સાથે જ કાશ્મીરી મરચું 550 રૂપિયાની જગ્યાએ 700 રૂપિયામાં અને રેશમ પટ્ટો મરચું 400 ની જગ્યાએ 550 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. સાથે જ જીરાના ભાવ 200 રૂપિયા કિલો થી વધીને ₹400 થી 450 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. સાથે કઠોળના ભાવ પણ વધી ગયા છે. કઠોળ અને ડાળના ભાવમાં પ્રતિ કિલો 15 થી 20 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જેને કારણે સામાન્ય જનતાની ખરીદી ઘટી છે.
આટલું ઓછું પડતું હોય તેમ હવે પહેલી એપ્રિલથી નેશનલ હાઇવે પરના ટોલ રેટ પણ વધારી દેવામાં આવ્યા છે. વાત કરવામાં આવે તો ટોલના રેટમાં પાંચ રૂપિયાથી 20 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
માત્ર એટલું જ નહીં પણ સીએનજી અને પીએનજીના ભાવમાં પહેલી એપ્રિલથી ઘટાડો થવાની શક્યતા સેવાઈ રહી હતી પરંતુ તેવું શક્ય બન્યું નથી જેને કારણે સીએનજી વાહનચાલકોની આશા ઠગારી નીવડી છે. ભાવમાં ક્યારે ઘટાડો થશે તે કોઈ જાણતું નથી અને સરકાર તરફથી પણ કોઈ રાહત મળતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.