“દરરોજ દસ km ચાલીને હું સ્કૂલે જતી. કારણ કે ધોરણ-8 પછી આગળ ભણવા માટે અમારા ગામમાં સ્કૂલ જ નહોતી. સ્કૂલેથી છૂટીને ઘરે આવી ખેતરમાં કામે જવું પડતું. ક્યારેક કન્ટ્રક્શન કામે પણ જવું પડતું. આવી પરિસ્થિતિ હોવા છતાં મેં પોલીસ અધિકારી બનવાનું સપનું જોયું અને સખત મહેનતથી સાકાર કરી બતાવ્યું.”
આ શબ્દો છે વડોદરા ઝોન-4ના DCP સરોજકુમારીના. આ IPS અધિકારી પોતાના સમાજહિતના કામથી સતત સિદ્ધિ-પ્રસિદ્ધિ પામતા રહ્યા છે.
મૂળ રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લાના ચિડાવા તાલુકા તાબેના બુડાનીયા ગામના વતની સરોજકુમારીનું બાળપણ ખૂબ સંઘર્ષોમાં વીત્યું. સરોજકુમારી 3 વર્ષની હતી ત્યારે જ પિતા આર્મીમાંથી નિવૃત્ત થઈ ગયેલા. આર્થિક સ્થિતિ બહુ સારી નહિ. કુટુંબના ભરણ-પોષણ માટે ત્રણ ભાઈની સાથે સરોજકુમારીને પણ ક્યારેક ખેતરમાં તો ક્યારેક કન્ટ્રક્શન સાઈટ ઉપર મજૂરીકામે જવું પડતું.
તે સમય ખૂબ કપરો હતો. ધોરણ દસ સુધી માંડ પહોંચી હોય ત્યાં તો મોટાભાગની દીકરીઓના લગ્ન થઈ જતા. સરોજકુમારીના લગ્ન માટે પણ લોકો ખૂબ દબાણ કરવા લાગ્યા. પરંતુ માતા-પિતાને દીકરી ઉપર પૂરો ભરોસો હતો કે આ દીકરી ભણી-ગણી ચોક્કસ ઓફિસર બનશે.
સરોજકુમારી આગળના અભ્યાસ માટે જયપુર ગઈ. ત્યાં ગ્રેજ્યુએશન પૂરું કરી ત્યાંથી ચૂરીની સરકારી કોલેજમાં સોશિયોલોજી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન અને પછી એમ.ફિલ. પણ કર્યું. પરંતુ તેની ઈચ્છા તો પહેલેથી જ IPS ઓફિસર બનવાની હતી. કિરણ બેદી વિશે તે સતત વાંચતી. તેના વિશે જાણી તેની જેમજ પોલીસ ઓફિસર બનવાની તેને ઈચ્છા જાગેલી. 2010માં તેણે સખત મહેનત કરી અને UPSCની પરીક્ષા પાસ કરી પોતાનું તથા માતા-પિતાનું સપનું સાકાર કર્યું. સરોજકુમારી કહે છે કે હું આજે પણ કિરણ બેદીની એટલી જ મોટી ફેન છું, પ્રશંસક છું.
ગુજરાત કેડરના આ IPS અધિકારી ટ્રેનીંગ પુરી કરી પહેલા સાબરકાંઠામાં ASP બન્યા અને ત્યારબાદ બોટાદમાં SP તરીકેની કામગીરી કરી.
બોટાદમાં લેડી સિંઘમ તરીકે પ્રસિદ્ધ થયેલ સરોજકુમારીએ હપ્તા ઉઘરાવતા કેટલાય ગુંડાઓને ભોં ભેગા કરી દીધા. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા અનેક અસામાજિક તત્વોને જેલભેગા કર્યા.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાં અનેક મહિલાઓ દેહવ્યાપારના ગંદા ધંધામાં વર્ષોથી ફસાયેલી હતી. જાન્યુઆરી 2016માં SP તરીકે ચાર્જ સાંભળનાર સરોજકુમારીએ આ બહેનોને દંડાની ભાષામાં નહિ પરંતુ પ્રેમથી સમજાવી અને તેમના માટે ઉજ્જવલા યોજના શરૂ કરી. જે અંતર્ગત 30 જેટલી બહેનોને સમજાવટથી એ વ્યવસાય છોડાવી સિલાઈ મશીન અપાવ્યા અને તેમને સ્વનિર્ભર કરી. આજે આ બહેનો સિલાઈ મશીન દ્વારા રોજી કમાઈ પોતાના પરિવારનું ભરણ-પોષણ કરી રહી છે.
આમ એક અધિકારી તરીકેની રૂટિન કામગીરીથી અલગ સમાજમાં કંઈક નવું-નોખું કરી સમાજમાં બદલાવ લાવવાની સરોજકુમારીની નેમ રહી છે. સમાજ સુધારણા ક્ષેત્રના તેમના આ કામની ખૂબ મોટી નોંધ લેવાઈ રહી છે અને તેમની કામગીરીની પ્રશંસા પણ ખૂબ થઈ રહી છે.
બોટાદથી વડોદરા DCP ઝોન 4 તરીકે ચાર્જ સાંભળનાર સરોજકુમારી એ વડોદરામાં પણ પોતાની કામગીરીથી ખૂબ પ્રશંસા પ્રાપ્ત કરી છે.
હાલમાં જ સરોજકુમારીએ ‘વુમન આઇકોન’ એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ તેમને ‘સમજ સ્પર્શ કી’ અભિયાન માટે આપવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત બાળકોને યૌન ઉત્પીડન બાબતે જાગૃત કરવામાં આવે છે. ‘વુમન ઇન યુનિફ્રોમ’ શ્રેણીમાં પુરસ્કાર જીતનાર IPS સરોજકુમારીએ કર્મભૂમિ ગુજરાતની સાથે સાથે જન્મભૂમિ રાજસ્થાનનું નામ પણ રોશન કર્યું છે.
‘સમજ સ્પર્શ કી’ અભિયાન અંતર્ગત સરોજકુમારીએ ‘બાળ યૌન શોષણ મુક્ત સમાજ’ની દિશામાં મૂવમેન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું. બાળકોને ગુડ ટચ અને બેડ ટચની સમજ આપવા માટે 19 જુલાઈ,2018ના રોજ ‘સમજ સ્પર્શ કી’ અભિયાનની શરૂઆત કરવામાં આવી. અત્યાર સુધીમાં વડોદરા મહિલા પોલીસ વિભાગના બાર પોલીસ કર્મચારીઓ ઉપરાંત 800 આંગણવાડીની બહેનો, 500 કોલેજના વિદ્યાર્થીઓ, 80 સ્કૂલના 400 શિક્ષકો આ અભિયાનમાં જોડાઈ ચુક્યા છે.
આ અભિયાનના માધ્યમથી ઓન લાઈન અને ઓફ લાઈન પાઠશાળા શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી યૌન શોષણને લઈને જાગરૂકતા ફેલાવવામાં આવે છે. જેથી કોઈપણ માસુમ બાળક કોઈની ખરાબ નજરનો શિકાર ન બને. ‘સમજ સ્પર્શ કી’ અભિયાનની ટીમે વડોદરા શહેરમાં 1,00,000 બાળકો, 46000 શુભેચ્છકો, 300 શિક્ષકો અને 80 સ્કૂલ કવર કરી છે. સાથે સુરક્ષા પ્લેયિંગ કાર્ડ પણ લોન્ચ કર્યું છે. જેના ઉપર QRD કોડ છપાયેલો હોય છે. આ કોડને મોબાઈલમાં સ્કેન કરવાથી બાળકોની સુરક્ષા સંબંધિત વિડીયો પણ જોઈ શકાય છે. આ આખા અભિયાનને સુચારુ રીતે ચલાવવાનું શ્રેય સરોજકુમારીને જાય છે.
સરોજકુમારીના પિતા પણ સુધારાવાદી વિચારો ધરાવે છે. દીકરાના લગ્નમાં સમગ્ર સમાજની ઉપરવટ જઈને પણ તેમણે દહેજ નહિ લેવાનો નિર્ણય કર્યો. સુકનનો એક રૂપિયો લઈ તેમને લગ્ન સંપન્ન કર્યા. મૃત્યુ બાદની પ્રેત ભોજન પ્રથા પણ તેમણે બંધ કરાવી.
સરોજકુમારી પણ આવા જ ક્રાંતિકારી વિચારો ધરાવે છે. સ્ત્રીઓના માસિક ધર્મ દરમિયાન મંદિર પ્રવેશ મુદ્દે SP શોભા ભૂતડા બાદ DCPસરોજકુમારીએ પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે માસિક ધર્મ દરમિયાન હું પણ મંદિરમાં ગઈ છું. આ સમય દરમિયાન સ્ત્રીઓએ ઘરના ખૂણામાં બેસી રહેવાની જરૂર નથી. કારણ કે મારા નિર્ણય માટે હું પોતે જવાબદાર છું. મારે કોઈની પરવાનગીની જરૂર નથી. તેઓ સ્ત્રીઓને માર્ગદર્શન આપતા કહે છે કે ‘ગમે તેવી પરિસ્થિતિમાં ડરવું નહીં. તમારા સપના પુરા કરવા તનતોડ મહેનત કરો.’
ગયા વર્ષે વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પુર આવવાથી વડોદરા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે સરોજકુમારીએ જાતે પોતાની પોલીસ ટીમ સાથે પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરેલી. પાણીમાં ફસાયેલા અનેક લોકોને બચાવવા ઉપરાંત તેમણે એક પાળેલા શ્વાનને પણ રેસ્ક્યુ કરી બચાવ્યો હતો. જેની મીડિયાએ પણ ભારે પ્રશંસા કરી હતી.
હાલ કોરોનાની ગંભીર મહામારી વચ્ચે સરોજકુમારી પોતાના 70 વર્ષ ઉપરની ઉંમરના માતાપિતા ઉપરાંત સાત આઠ વર્ષના બે ભત્રીજાઓની જવાબદારી સંભાળવાની સાથે સાથે પોતાની ડ્યુટી પણ બખૂબી નિભાવી રહી છે. પોતાના પોલીસ સ્ટાફની કાળજી રાખવા તેના ખોરાક-પોષક, પુરવણીઓ, PPE કીટ, માસ્ક, સેનિટાઈઝર વગેરેની દેખભાળ રાખવા ઉપરાંત તેઓ 700 જેટલા વરિષ્ઠ નાગરિકોની દેખભાળ પણ રાખે છે. તેમની દેખરેખ હેઠળ એક પોલીસ કિચન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ 500 જેટલા લોકોને ભોજન પુરુ પાડવામાં આવે છે.