ISRO Mission Shukrayaan: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્ર પર ત્રિરંગો ફરકાવ્યા બાદ સૂર્યની ગરમીને માપવા માટે આજે આદિત્ય L1(Aditya L1) લોન્ચ કર્યું છે. આ પછી ઈસરોની નજર હવે શુક્ર પર છે. શુક્રના રહસ્યો શોધવા માટે ભારત ટૂંક સમયમાં શુક્રયાન-1(ISRO Mission Shukrayaan) લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3ની સફળતા પર ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે, ચંદ્રયાન 3 પછી ભારત સૂર્યની સીમાઓનું રહસ્ય જાણવા માટે આદિત્ય એલ-1 લોન્ચ કરશે અને તે પછી શુક્રયાન-1 લોન્ચ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. પૃથ્વીથી શુક્રનું અંતર લગભગ 6 કરોડ કિલોમીટર છે. આ માટે ઈસરોએ શુક્રયાન મિશનની જાહેરાત કરી છે. શુક્રયાન શુક્ર ગ્રહની આસપાસ ફરશે અને તેનો અભ્યાસ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 2017માં ઈસરોના મિશન વિનસ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. આ સાથે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ પણ વાર્ષિક બજેટ 2017-18માં આનો ઉલ્લેખ કર્યો હતો. અવકાશ વિજ્ઞાન વિભાગ હેઠળ બજેટમાં મંગલયાન-2 અને મિશન શુક્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ઈસરોના વૈજ્ઞાનિકો મંગળયાન અને ચંદ્રયાનની સફળતાના આધારે શુક્ર માટે યોજનાઓ પર વિચાર કરી રહ્યા છે. ISRO શુક્ર સુધી પહોંચવાના તેના મિશનની તૈયારી કરી રહ્યું છે. જાણકારી અનુસાર, જો બધુ બરાબર રહ્યું તો ISRO તેને ડિસેમ્બર 2024માં લોન્ચ કરી શકે છે.
જો શુક્રયાન-1 કોઈ કારણસર 2024માં લોન્ચ ન થાય તો તેને 2026, 2028 અથવા 2031માં લોન્ચ કરી શકાય છે. હકીકતમાં, દર 19 મહિને પૃથ્વી અને શુક્ર એકબીજાની સૌથી નજીક હોય છે. જો ભારતનું શુક્રયાન મિશન સફળ થશે તો ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.
વૈજ્ઞાનિકોના મતે અબજો વર્ષ પહેલા શુક્ર અને પૃથ્વી સમાન હતા. પરંતુ સમય સાથે, જ્યાં પૃથ્વી પર જીવનનો વિકાસ થયો, ત્યાં શુક્ર નિર્જન થઈ ગયો. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકો એ જાણવા માગે છે કે જો આબોહવા પરિવર્તનની આવી પ્રતિકૂળ અસરો ચાલુ રહેશે તો શું પૃથ્વી પણ શુક્ર જેવી સ્થિતિમાં નહીં રહે?
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube