રવિવારે થયેલો એક બ્લાસ્ટ… જેણે આખા રાજસ્થાનને હચમચાવી નાખ્યું. શું આ કોઈ આતંકવાદી ઘટના છે કે બીજું કંઈક… આવા સવાલો દિવસભર લોકોના મનમાં ઘૂમતા રહ્યા. આ પાછળનો હેતુ શું હતો? તપાસમાં સામે આવ્યું છે કે, રાજસ્થાનના ઉદયપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર થયેલો બ્લાસ્ટ આતંકીઓનું કૃત્ય હતું. રાજસ્થાન પોલીસે તેની FIRમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
આ મામલામાં રાજસ્થાન પોલીસે FIRમાં આતંકવાદી ષડયંત્ર સંબંધિત કલમો નોંધી છે. રાજસ્થાન પોલીસને તેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઉદયપુર અમદાવાદ રેલવે ટ્રેક પર થયેલો બ્લાસ્ટ આતંકવાદી હુમલો છે. આ હુમલા બાદ ટ્રેક તૂટી ગયો હતો. જો આ તૂટેલા ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ હોત તો મોટી દુર્ઘટના થઈ હોત.
અમદાવાદ ઉદેપુર અસારવા ટ્રેન નંબર 19703 અને 19704 દરરોજ આ ટ્રેક પરથી પસાર થાય છે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 દિવસ પહેલા જ આ લાઇનનું ઉદઘાટન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટનો હેતુ લોકોમાં ભય ફેલાવવાનો હતો.
આ ઘટના ઉદયપુરથી લગભગ 35 કિમી દૂર સલામ્બુર રોડ પર બનેલા ઓઢા રેલવે બ્રિજની છે. FRIની એક્સક્લુઝિવ કોપી અનુસાર, શનિવારે સાંજે 7.15 વાગ્યે, ઓઢા ગામના લોકોએ જોરદાર ધડાકો સાંભળ્યો. રાત્રે વિસ્ફોટનો અવાજ સાંભળીને ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. આ પછી, જ્યારે લોકોનું એક જૂથ ત્યાં પહોંચ્યું, ત્યારે તેઓ તૂટેલા રેલવે ટ્રેક, વિસ્ફોટકો અને સ્ટીલના ટુકડા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
FIR મુજબ જાણવા મળ્યું છે કે, આ વિસ્ફોટને અંજામ આપવા માટે સુપર પાવર 90 ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક ખતરનાક વિસ્ફોટક છે. આ વિસ્ફોટકોનો ઉપયોગ 28 ઓગસ્ટના રોજ નોઈડામાં સુપરટેક કંપનીના ટ્વીન ટાવર્સને તોડવા માટે કરવામાં આવ્યો હતો.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ ઘટના ઉદયપુરથી 35 કિલોમીટરના અંતરે બની હતી. NIAની ટીમ, ATS, રેલવે RPF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર છે. તેમણે કહ્યું કે જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તેને કડક સજા આપવામાં આવશે. રેલ્વે મંત્રીએ કહ્યું કે રેલ્વેની એક ટીમ આ માર્ગ પર વાહનવ્યવહાર શરૂ કરવામાં રોકાયેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.