શિવસેનાએ ફરી એકવાર અમિત શાહનું આ રીતે ગણિત બગાડ્યું, જાણો વિગતે

નાગરિકતા સંશોધન વિધેયક લોકસભામાં પાસ થયા પછી બુધવારે રાજ્યસભામાં રજુ થયું છે. સંખ્યાબળની દૃષ્ટિએ કેન્દ્ર સરકાર રાજ્યસભામાં પણ આ બિલ પસાર કરાવવા અંગે આશ્વસ્ત હતી…

નાગરિકતા સંશોધન વિધેયક લોકસભામાં પાસ થયા પછી બુધવારે રાજ્યસભામાં રજુ થયું છે. સંખ્યાબળની દૃષ્ટિએ કેન્દ્ર સરકાર રાજ્યસભામાં પણ આ બિલ પસાર કરાવવા અંગે આશ્વસ્ત હતી પરંતુ છેલ્લાં બે દિવસના ઘટનાક્રમ પછી શિવસેનાના બદલાયેલા વલણના કારણે હવે સરકાર માટે મુશ્કેલી વધી છે.

શિવસેનાએ કેમ વલણ બદલ્યું?

હિન્દુવાદી એ શિવસેનાની વિચારધારાનો પાયો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની ઓળખ અને જનાધાર પણ એ જ છે. એ સંજોગોમાં નાગરિકતા સંશોધન વિધેયકને શિવસેના ફરીવાર નકારી શકે એમ નથી. સાથોસાથ એ પણ હકિકત છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન સરકાર રચ્યા પછી શિવસેના હંમેશની માફક ઉઘાડેછોગ હિન્દુત્વની ભભૂત ચોળી શકવાની સ્થિતિમાં પણ નથી. હિન્દુત્વના મુદ્દે ભાજપ હાવી થાય એ પણ શિવસેના માટે ઘાતક સ્થિતિ બની શકે છે. આથી શિવસેનાએ વચલો રસ્તો કાઢીને નાગરિકતા સંશોધન વિધેયકનો ખુલ્લો વિરોધ કરવાને બદલે કેટલીક એવી શરતો મૂકી છે જે સ્વીકારીને કે નકારીને ભાજપ કફોડી સ્થિતિમાં મૂકાઈ શકે.

જાણો શું છે શિવસેનાની શરતો ?

શિવસેનાએ નાગરિકતા સંશોધન વિધેયકને આડકતરું સમર્થન આપ્યા બાદ મુખ્ય 2 શરતો આપી છે. જે અહીં નીચે મુજબ દર્શાવેલી છે.

શરણાર્થીઓને દેશના ક્યા રાજ્યમાં રહેવાસની મંજૂરી આપવામાં આવશે અને એ માટે કેવા માપદંડો નક્કી કરવામાં આવશે એ મામલે સરકારે ખરડામાં સ્પષ્ટતા કરવી જોઈએ.

મુખ્ય હેતુઃ મુસ્લિમ બહુમતિ ધરાવતા રાજ્યોમાં શરણાર્થીઓને નિવાસની છૂટ આપીને સામાજિક સંતુલન બદલવાના ભાજપના મનસૂબા પર શિવસેના આ શરત વડે બ્રેક મારવા ધારે છે.

ભારતની નાગરિકતા મળ્યા બાદ 25 વર્ષ સુધી શરણાર્થીઓને મતદાનનો અધિકાર મળવો ન જોઈએ.

મુખ્ય હેતુઃ શરણાર્થીઓને નાગરિકતા અપાવીને સામે કમિટેડ વોટબેન્ક ઊભી કરવાના ભાજપના આશયને શિવસેના આ શરત વડે ખારિજ કરવા માંગે છે.

શું શિવસેના ખરેખર ગણિત બદલી શકે છે? જાણો અહીં

હાલ તો પહેલી નજરે ભાજપ માટે સ્થિતિ રાજ્યસભામાં પણ ખુબ સરળ જણાય છે. કારણ કે રાજ્યસભામાં 5 બેઠકો ખાલી હોવાથી કુલ સંખ્યાબળ 240 છે. બહુમતિ માટે 121 સભ્યોનું સમર્થન જોઈએ.

ભારતીય જનતા પાર્ટી પાસે એનડીએના ઘટક પક્ષો ઉપરાંત આ વિધેયકના સમર્થનમાં આવેલા અન્ય નાના પક્ષો સહિત કુલ સંખ્યાબળ 127 છે, જે પૈકી બે સભ્યો નાદુરસ્તીને લીધે મતદાન માટે ઉપસ્થિત ન રહી શકે તેવા સંજોગો છતાં સમર્થનમાં પડી શકતાં મત 125 થાય છે, જે આવશ્યકતા કરતાં 4 વધારે છે.

વિપક્ષ પાસે કોંગ્રેસના 46 અને તૃણમૂલના 13 સહિત કુલ સંખ્યાબળ 113 છે. એ પૈકી મોતીલાલ વોરા નાદુરસ્તીના કારણે ગૃહમાં હાજર રહી શકે તેમ નથી. એટલે સંખ્યાબળ 112 થાય. જે બિલને પછાડવા અપર્યાપ્ત છે.

અહીં હવે શિવસેનાની બાજીની શરૂઆત થાય છે. રાજ્યસભામાં શિવસેનાનું સંખ્યાબળ ફક્ત 3 છે. પરંતુ તેણે મૂકેલી શરતો જોતાં અન્ય પ્રાદેશિક પક્ષો પણ આ શરતના સમર્થનમાં બિલનો વિરોધ કરી શકે. જેમાં જનતાદળ (6 સભ્યો), બીજુ જનતાદળ (7 સભ્યો) મુખ્ય છે. તદઉપરાંત આસામમાં ભારે વિરોધ થવાથી 1 સભ્ય ધરાવતી આસામ ગણ પરિષદ પણ અત્યારે બિલનું સમર્થન કરવા અંગે વિમાસણમાં છે.

આવી રીતે શિવસેનાએ ફેંકેલા પાસા પછી જો 5 મત પ્રસ્તાવિત ખરડાની વિરુદ્ધમાં પડે તો નાગરિકતા સંશોધન વિધેયક રાજ્યસભામાં અટકી પડે તેમ બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *