રવિન્દ્ર જાડેજાના પત્ની બાદ હવે પિતા અને બહેન પણ આવ્યા આ પક્ષમાં, પરિવારમાં રાજકીય તિરાડ

Published on: 10:12 am, Sun, 14 April 19

જ્યારથી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારથી જામનગરના રાજકારણમાં દર સપ્તાહે નવા સમીકરણ સામે આવી રહ્યા છે. વધુ એક વખત રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકારણને લઈને ચર્ચામાં આવ્યો છે. પ્રથમ રવિન્દ્રના બહેને નેશનલ વુમન પાર્ટી જોઈન્ટ કર્યા બાદ રવિન્દ્રની પત્ની રિવાબાએ ભાજપ જોઈન્ટ કર્યું હતું. ત્યારબાદ આજે રવિન્દ્રના મોટા બહેન નૈનાબાએ પ્રથમ પાર્ટી છોડી તેના પિતા સાથે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ જોઈન્ટ કર્યું છે. લોકસભાની ચૂંટણી વધુ એક સમીકરણ સામે આવતા ચૂંટણી રસપ્રદ બની રહેશે. આમ એક જ પરિવારના સભ્યો અલગ અલગ વિચારધારા ધરાવતી પાર્ટીઓમાં જોડાયા છે.

લોકસભાની ચૂંટણી આડે માત્ર એક સપ્તાહનો સમય રહ્યો છે. ત્યારે જામનગર બેઠક પર ભાજપ- કોંગ્રેસ દ્વારા વજનદાર નેતાઓને અંકે કરવાની હોડ લાગી છે. ભાજપાએ કૉંગ્રેસના ધારાસભ્ય ધારવિયાને પક્ષ પલટો કરાવ્યા પૂર્વે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ભાજપ પ્રવેશ, દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાડેજા અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહને મંત્રી મંડળમાં સમાવી લીધા છે અને સાથે સાથે ક્ષત્રિય અને સતવારા સમાજના મત અંકે કરી રાજકીય સોગઠી ગોઠવી લીધી છે.

રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયના બેન જાડેજા આજે અચાનક જ જામનગર કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપતા દેખાયા હતાં. રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાશે. તો રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ પણ કોંગ્રેસમાં જોડાશે. આમ રવિન્દ્ર જાડેજાની પત્ની એટલે કે ભાભી ભાજપમાં અને સસરા અને નણંદ (નયના જાડેજા) કોંગ્રેસ સાથે હોવાનું ચિત્ર ઉભું થયું હતું. સાથે આ ચિત્ર એ પણ દર્શાવે છે કે જાડેજા પરિવારમાં જ બે ફાંટા છે.

બીજી તરફ કોંગ્રેસે પણ હાર્દિક પટેલને લોકસભા લડાવવાની તૈયારી કરી શસ્ત્રો સજાવ્યા હતા પરંતુ હાઇકોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસે ઉમેદવાર બદલાવી ભાજપના આહીર ઉમેદવારની સામે કોંગ્રેસે આહીર ઉમેદવાર મુળુ કંડોરિયાને ટિકિટ આપી જંગ બરબારીનો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉમેદવારી પત્રો ભરાયા બાદ બંને પક્ષે પ્રચારનો જંજાવાત શરૂ કરાયો છે. ભાજપાએ કાલાવડ તાલુકા પંચાયતના કોંગ્રેસીઓને ખેરવી નાખ્યા તો કોંગ્રેસએ પણ કલ્યાણપુર તાલુકા પંચાયતમાં ભંગાણ પાડ્યું, એક બીજા પક્ષ પર હાવી થવાની રાજનીતિ વચ્ચે આજે કોંગ્રેસ દ્વારા વધુ એક દાવ ખેલી આજે કાલાવડ ખાતેની સભામાં રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નૈનાબાને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો છે. સ્ટાર ક્રિકેટરના પરિવારને અંકે કરી કોંગ્રેસ દ્વારા વધુ વખત ક્ષત્રિય સમાજના મત અંકે કરવાનો પ્રયાસ કર્યો હોવાનો રાજકીય વિશ્લેષકોએ મત વ્યક્ત કર્યો છે.

આ તમામ ઘટના ક્રમ વચ્ચે લોકોમાં હાસ્યાસ્પદ ચર્ચાઓ ઉઠી છે કે હવે રવિન્દ્ર જાડેજા માટે અવઢવ વાળી સ્થિતિ છે, કે વોટ આપવો કોને?