આજથી લગભગ આઠેક મહિના પહેલાં આજ જગ્યાએ ગુજરાતની ક્ષિતિજે ઝળૂંબી રહેલા જળસંકટ અંગે ચેતવણી ઉચ્ચારી હતી. આમ તો આવનાર વરસોમાં ખેતી અને પીવાના પાણી માટેનો પ્રશ્ન રાષ્ટ્રીય આપત્તિ બનવાનો છે પણ આપણે તો વકરો એટલો નફો કરવાવાળી પ્રજા છીએ. આજે તા. ૨૭ -૪-૨૦૧૯ની સ્થિતિએ રાજ્યનાં ૨૦૪ જળાશયોમાં સરેરાશ ૩૪.૪૧ ટકા જળસ્તર છે. પણ એમાંય સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં તો માત્ર ૧૧.૮૨ ટકા જેટલું જ પાણી રહ્યું છે. માત્ર બે જ જળાશયોમાં પાણીનો જથ્થો ૭૦ થી ૯૦ ટકા વચ્ચે છે, જ્યારે ૭૮ જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે. કચ્છની સ્થિતિ ૨૦ જળાશયોમાં ૧૩.૭૩ ટકા પાણી દર્શાવે છે, જ્યારે ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયોમાં ગયા વરસે આ સમયે ૫૯૨.૫૨ મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું તેની સરખામણીએ ચાલુ સાલે ૩૧૯.૧૧ મિલિયન ઘનમીટર પાણી રહ્યું છે. આમ, ગત વરસની સરખામણીમાં ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયો, જેમાં માત્ર ૧૬.૬૦ ટકા જળસ્તર છે તે લગભગ અરધું છે. હજુ એપ્રિલનો અંત છે. કાળઝાળ ગરમીના મે-જૂન અને અરધો જુલાઇ મહિનાઓ બાકી છે ત્યારે આ જળસંકટ ઘેરું બનીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો ત્રાહિમામ પોકારાવશે એમાં કોઈ શંકા નથી.
પ્રાથમિક શાળામાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં એક વારતા આવતી જેમાં નગરશેઠના ખાનદાનના ચાર ભાઈઓ દેવાળીયા થઈ જતાં વાડામાં ઉગેલા સરગવાના ઝાડ ઉપરથી મોંસૂંઝણું થાય તે પહેલા શીંગો ઉતારી વેચી આવતા અને અતિ દારિદ્રપૂર્ણ સ્થિતિમાં જીવતા. એક દિવસ એમના પિતાના મિત્ર મહેમાન બન્યા. નગરશેઠના દીકરાઓની આ પ્રવૃત્તિ તેમણે જોઈ. કહેવાય છે કે પૈસેટકે ગરીબ હોય તો વેળા વળે પણ મનનો ગરીબ ગરીબ જ રહે છે. પેલા મહેમાન બનેલા વડીલે એ રાત્રે ચારેય ઝાડ કાપી નાખ્યાં. બીજે દિવસે પેલા નગરશેઠના દીકરાઓએ આ જોયું અને કકળાટ કરી મૂક્યો. એમને લાગ્યું કે આ માણસ પિતાનો મિત્ર નહીં પણ પોતાનો ગયા જનમનો દુશ્મન હશે. ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ. પણ છેવટે તો નગરશેઠના દીકરા. લોહીના સંસ્કાર થોડા જાય. પેટનો ખાડો પૂરવા નાનોમોટો વેપાર શરૂ કર્યો અને થોડા વખતમાં તો પાછા તરતા થઈ ગયા.
ગુજરાતનાં જળસંકટની જ્યારે જ્યારે વાત આવે ત્યારે નર્મદા યોજના થઈ ગઈ હવે સબ સલામતની આલબેલ પોકારાવાની શરૂ થઈ જાય છે. નર્મદાના બંધનાં દરવાજા વસાયા ત્યારે બહુ ઉમળકાભેર ‘હવે ગુજરાતમાં દુકાળ અને જળસંકટ ભૂતકાળ બની જશે’ એવી જાહેરાતો થઈ હતી. આ જાહેરાતો કેટલી સાચી હતી તે આજે દેખાય છે. વાંક કોનો કાઢશો? નેતાઓનો? સરકારનો? હું બહુ સ્પષ્ટ માનું છું કે પેલા નગરશેઠનાં છોકરાંની માફક જે પ્રજાની મનોવૃત્તિ જ સરકાર આધારિત જીવવાની થઈ જાય, મગજનાં તમામ બારણાં બંધ કરી જે રેડીમેડ પીરસાય તે સાચું માની લેવાય ત્યારે આ સ્થિતિ થાય છે. નર્મદા યોજનામાં આપણે ભાગ ૯ મિલિયન એકર ફીટ પાણી આવ્યું છે. પણ ૪૫૫ ફૂટ પૂરેપૂરો બંધ ભરાય તો માત્ર ૪.૭ એકર ફીટ પાણી જ મળે. એટલે કે ૫૦ ટકા કરતાં થોડું વધારે પાણી જ મળે. બાકીનું તો બારગી, માહેશ્વર જેવા મધ્ય પ્રદેશમાં વીજળી માટે બાંધેલા બંધમાંથી પાણી કટકે કટકે આખું વરસ આવતું રહે તો જ આપણને ૯ મિલિયન એકર ફીટ પાણી મળે. બંધમાં જે પાણી ભરીને બેઠા તે ૪.૭ મિલિયન એકર ફીટમાંથી ૧ મિલિયન એકર ફીટ પાણી તો ઉદ્યોગો અને પીવા માટે અનામત છે. આજે ગુજરાતમાં ૧૩ શહેરો અને ૧૪૦૦૦ કરતાં વધારે ગામડાં નર્મદાનું આ પાણી પીવે છે માટે પીવાના પાણીની તંગી કાંઈક હળવી છે. એટલે બાકી રહ્યા ૩.૭ મિલિયન એકર ફીટ પાણી જેમાંથી ખેતી માટે અને તળાવો ભરવા કે બીજા કોઈ આયામો માટે વાપરવાનું છે એટલે સમજી લઈએ કે નર્મદા યોજના ગુજરાત માટે અખૂટ પાણીનો ભંડાર છે એ વાત મગજમાં હોય તો કાઢી નાખવી પડે.
નર્મદાનું આ પાણી મધ્ય ગુજરાત અને ત્યાંથી કડી થઈ સૌરાષ્ટ્રમાં જાય. તે ૯૨ મીટર પમ્પિંગ કરી રાજકોટ પહોંચાડે. આપણી બુદ્ધિમત્તાને ધન્યવાદ આપવો જોઈએ કે રકાબી જેવો આજી ડેમ જેમાંથી પાણીનું બાષ્પીભવન થઈને ઊડી જવાની ક્ષમતા ગુજરાતમાં સૌથી વધારે છે તેમાં આ પાણી નાખીએ એટલે લગભગ ૪૦થી ૫૦ ટકા તો ગયું આકાશમાં. આજી ડેમની આજુબાજુ ઝડપથી ઝોંપડપટ્ટી વિકસવા માંડી છે એટલે આ બાકીનું પાણી પણ ક્યાં સુધી રાજકોટને ન્યાલ કરી શકશે તે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલી અસરકારક રીતે આ પેરીફેરલ સેટલમેન્ટ એટલે કે બંધના તળાવડાની આજુબાજુ વસવાટ જે બેરોકટોક વધતો જાય છે તેને નાથવામાં અને તેના થકી ઊભું થતું પ્રદુષિત પાણી આજીમાં ન ભળે તેને રોકવામાં સફળ રહે છે તેના પર આધારિત છે. બાકી સૌની યોજનાને તો વધારાનું પાણી હશે તે દિવસે મળશે અને ત્યારે ૧૧૫ જળાશયો ભરાવાનાં છે. સૌરાષ્ટ્રની પાણીની જરૂરિયાત અને તરસ સાચી છે પણ એ પ્રશ્ન હવે ઉકલી જ ગયો છે એવો આશાવાદ પેલી સરગવાની શીંગો જેવો છે. સૌરાષ્ટ્રનું લાંબા ગાળાનું પાણીનું આયોજન, સિંચાઇ તેમજ પીવા માટે પ્રમાણિકતાપૂર્વકનો અભ્યાસ અને વપરાશ માટે ખૂબ મોટો સંયમ જરૂરી છે. સૌરાષ્ટ્રની પ્રજા પાણીની તીવ્ર તંગીથી ટેવાયેલી પ્રજા છે, એને પાણીની કરકસર કરવાનું શીખવાડવું પડે તેવું નથી પણ સૌરાષ્ટ્ર આવનાર સમયમાં પાણીની તંગી અને સમસ્યામાંથી મુક્ત નથી થવાનું એવો પ્રમાણિક એકરાર અને સ્વીકાર પ્રજા માનસમાં થવો જોઈએ.
કચ્છ અને નર્મદાનો ગ્રહમેળ ક્યારેય પૂરેપૂરો સધાયો નથી. એમાંય રસ્તામાં બનાસકાંઠામાં ત્રણ વરસમાં ૧૦૦ કરતાં વધુ વખત કેનાલો તૂટી જાય એટલે શરીરમાં લોહી ઓછું હોય એવા દરદીને ઘા પડીને ખૂબ લોહી વહી જવા દેવાય તેવી સ્થિતિનું નિર્માણ થાય. નર્મદાનાં પાણી બનાસકાંઠા કઈ રીતે વાપરે છે તેનો તેણે પોતે જ અભ્યાસ કરવો જોઈએ. ટાઇફોઇડ થયો હોય એમાંથી બેઠો થતો દરદી અકરાંતિયો થઈને ખાવા માંડે છે તેમ બનાસકાંઠાની પાણીની તરસ હું સમજી શકું છું, પણ જો બેફામ પાણી સિંચાઇ માટે વપરાશે તો જમીનો બરબાદ થઈ જશે અને બનાસકાંઠાનો ખેડૂત પંદર-વીસ વરસમાં પાયમાલ થઈ જશે, ગ્રામ્ય અર્થતંત્રના ભૂક્કા બોલી જશે એ વાત એને જેટલી વહેલી સમજાય તેટલી સારી.
ક્યાંક ઉભડકીયાં ડીઝલ એન્જિનો મૂકીને પાણી ખેંચી લેવાય તો ક્યાંક ૧૭૦૦૦ કરતાં વધુ ટેટા (બકનળી)થી પાણી ઉલેચાય, સરવાળે કડીથી આગળ કચ્છ સુધીનો પ્રદેશ પોતાના હક કરતાં વધારાનું પાણી લેશે તો કચ્છનાં હકનું પાણી કચ્છને નહીં મળે. આમ, આવનાર સમયમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એ ત્રણેય નર્મદા યોજનાનાં મુદ્દે સામસામે મેદાનમાં આવી જાય તે ખૂબ જ અણગમતું લાગે છે છતાંય ક્યાંક અમંગળ ભવિષ્યનાં એંધાણ આજે દેખાય છે. મનમાં શંકા પાકી થતી જાય છે કે નર્મદા યોજના કદાચ ગુજરાતનાં વિભાજન માટેનું એક મોટું પરિબળ બનીને ઊભી રહેશે.
વળી પાછા નર્મદા પર આવીએ. આપણે ત્યાં એક એવો બુદ્ધિશાળી વર્ગ છે જે તક મળે ભાષણો ઝૂડી નાખે છે કે કોઈ પણ નદીમાં વહેતું એક ટીંપું પણ પાણી દરિયામાં ન જવું જોઈએ. આ બુદ્ધિશાળીઓને સમજાવવાનું મારું ગજું નથી. આવી તર્કહિન વાત કરનાર લોકો દરિયાનું ખારું પાણી અને નદીનું મીઠું પાણી મળે તે વિસ્તારમાં જે ભાંભરું પાણી બને તેમાં કેટલીક વિશિષ્ટ દરિયાઈ જીવસૃષ્ટિ અને હિલ્સા જેવી માછલી કે ઝીંગા થતા હોય છે. જો નદીનું પાણી આવતું બંધ થઈ જાય અને એને કારણે દરિયાનાં ખારાં પાણીની ખારાશ વધતી જાય તો આ દરિયાઈ જીવસૃષ્ટિ નાશ પામે છે. કોણ સમજાવે આ સ્વાર્થી બુદ્ધિશાળીઓને કે કુદરતે નદીને બનાવી છે જ દરિયાને મળવા માટે. દરિયામાંથી વાદળરૂપે મીઠું પાણી લેવું છે અને પાછું કશું નથી આપવું? નદીનું ટીંપે ટીંપું ચૂસી ખાવું છે? એના કારણે આજે ભરૂચમાં નર્મદા કિનારે માછીમારોના જે હાલ થયા છે તે હાલ અને બેકારી ઊભી થાય તે માટે તૈયાર રહેવું પડશે. નદીનું ટીંપે ટીંપું પાણી રોકી લઈએ અને આપણા બેફામ ઉપયોગ માટે વાપરીએ તો દરિયાનું ખારું પાણી તમારી બરબાદી કરી નાખશે.
નર્મદાનું મીઠું પાણી અથવા અન્ય નદીનું મીઠું પાણી દરિયાને મળે છે ત્યારે એ દરિયાના ખારાં પાણીને ભરતી વખતે અંદર વધતું રોકે છે. આમ દરિયાઈ ખારાશ જમીનમાં ધસી આવતી નથી. જો આવું ન થાય અને નદી સુકાઈ જાય તો શું થાય? નર્મદાના કિસ્સામાં તેનો અહેવાલ છેલ્લાં કેટલાક દિવસોથી અગ્રણી અખબારોના પાને ચમકતો રહે છે. છેક ૬૫ કિમી ઊંડાણ સુધી હવે દરિયાના ખારાં પાણી ધસી જાય છે. આજુબાજુની ખેતી/તળનાં પાણી ખારાં થઈ જવાને કારણે બરબાદ થવાની શરૂઆત થઈ ગઈ છે. નાનું ટીંપું પણ પાણી દરિયામાં નહીં જવા દઈને આપણે ભરૂચ જિલ્લામાં તબાહીની ૬૫ કિમી લાંબી તવારીખ લખી રહ્યા છીએ. એક બાજુ તમે નર્મદાના પાણી રોકીને ખેડૂતને આપી ખેતી વિકસાવશો પણ બીજી બાજુ ભરૂચનો માછીમાર અને ખેડૂત બરબાદ થઈ રહ્યો છે એનો કોઈ ઉપાય કરવાની સૂઝ કે સમજ અથવા સંવેદનશીલતા દેખાતી નથી. આ સમસ્યા આગળ જતાં વકરશે ત્યારે અત્યારે નર્મદામાંથી પાણી લેતો દહેજ ઔદ્યોગિક વિસ્તાર પણ મુશ્કેલીમાં મૂકાશે. એની આડે બહુ લાંબો સમય નથી. બહુ મોટા ઉદ્યોગો તો પોતાનું વર્ચસ્વ ધરાવે છે એટલે કદાચ વૈકલ્પિક વ્યવસ્થા ઉકાઈના પાણી આધારિત કરી લેશે પણ આ માછીમારો અને ખેડૂતોનું શું?
અને હા ! નર્મદા પરિક્રમા વિષેનું સ્વ. શ્રી અમૃતલાલ વેગડનું એક સરસ પુસ્તક ‘પરિક્રમા નર્મદા મૈયાની’ મને ખૂબ પ્રભાવિત કરી ગયું હતું. નર્મદા અમરકંટકથી નીકળે ત્યાંથી શરૂ કરીને ભરૂચ પાસે સંગમ થાય એટલે કે મૂળથી મુખ સુધીની નર્મદાની પરિક્રમાનો એક મહિમા છે. નર્મદાના દર્શનમાત્રથી મોક્ષ થાય છે એમ માનનાર અનેક શ્રદ્ધાળુઓ આ મોક્ષદાયીની નર્મદા પરિક્રમા કરે છે. નર્મદાનું પાણી જ હવે દરિયા સુધી નહીં પહોંચે તો મૂળથી શરૂ થતી આ પરિક્રમા શું સરદાર સરોવરે જ પૂરી કરવાની? અને એ રીતે રોકાયેલા પાણીની પરિક્રમા કરીએ તો એનું ફળ મળે ખરું? નર્મદા પરિક્રમા એ હિન્દુ ધર્મમાં શ્રદ્ધા રાખનાર સહુ માટે ખૂબ મોટી તીર્થયાત્રા છે. હવે આ નર્મદા પરિક્રમા બદલાયેલા સંયોગોમાં ૬૫ કિમી દૂર જ રોકાઈ ગયેલી નર્મદા મૈયાના સંદર્ભમાં કઈ રીતે પૂરી કરીએ તો શાસ્ત્રોક્ત ગણાય એની ચર્ચા આપણા મહાન સાધુસંતોમાં શરૂ થઈ હોય તેવું હજુ દેખાતું નથી. સગવડીયો ધર્મ પાળવામાં તો આપણે નિષ્ણાત છીએ એટલે આ નર્મદા પરિક્રમાનો પણ કોઈ પ્રેક્ટિકલ ઉકેલ નીકળી જશે પણ નર્મદા મૈયા આ ઉકેલથી રાજી થશે ખરી?
ગુજરાતનું જળસંકટ વિકટ સમસ્યા બની રહ્યું છે અને બનવાનું છે ત્યારે એ ભ્રમણાથી બહાર આવીએ કે નર્મદા બધા પ્રશ્નોનો એકમાત્ર ઈલાજ છે અને આપણે એ સાધી લીધો છે. બીજું રાજ્ય સરકાર દર શિયાળો શરૂ થાય અને જળસંચયના નામે તળાવો ઊંડા કરાવે છે. સારી વાત છે. પણ જેટલા ઘનમીટર માટીકામ થયું એટલા ઘનમીટર જળસંગ્રહની શક્તિ ઊભી થઈ એમ ગણી ‘હરખ હવે તો હિંદુસ્તાન’ની જાહેરાતો વ્યર્થ છે. માટીકામ કેટલા ઘનમીટર થયું એ અગત્યનું નથી, એ ખાલીખમ તળાવ ભરાય એવી કોઈ વ્યવસ્થા કરી છે? એના આવરાનું આયોજન કરી સરેરાશ વરસાદ પડે તો પણ એ ઊંડું કરેલું તળાવ ભરાઈ જાય એવી કોઈ યોજના થઈ છે? જવાબ માથામાં વાગે તેવો ‘ના’માં આવે છે. વરસોથી ખોડાયેલા તળાવો ખાલીખમ પડ્યા છે. અનાજ ભરવાનો કોઠાર તો બાંધી દીધો પણ પાક ક્યાં છે? સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં વિસનગરથી આગળ એક ખૂબ વ્યવસ્થિત આયોજન સાથે ચીમનાબાઈ તળાવ બન્યું હતું, જે માત્ર ૧૦ થી ૧૨ ઇંચ વરસાદ પડે તો પણ ભરાઈ જાય. આજે એ તળાવની અરધો અરધ જમીન બથામણામાં ગઈ છે અને એના આવરા રોકી દેવાયા છે. મતની ભીખ માંગવા નીકળતી સરકાર પ્રજાહિતના કાર્યોમાં પણ મત ખોવાઈ જશે અને કોઈ બળૂકી કોમ વિરુદ્ધ થઈ જશે એવા ગણિત માંડતી થઈ ગઈ છે. આ દાખલો માત્ર ખેરાલુનો નથી. રામનામકી લૂંટ હૈ, લૂંટ શકે તો લૂંટ. એમાં દરેક જગ્યાએ ગામના નઠારા અને રાજકીય વગ ધરાવતા તત્વોએ જે મળ્યું તે અંકે કરી લીધું છે. વરસાદ તો પહેલા પણ એટલો જ પડતો હતો, આજે પણ એટલો જ પડે છે. વસતિ વધી છે એની ના નહીં પણ પેલા તળાવડા પૂરી નાખી અને આવરા બંધ કરી દઈ દર વરસે જળસંચયના કામો થાય તો એનું પરિણામ આવશે ખરું? આજે પાણીના મુદ્દે આવનાર ૧૫થી ૨૦ વરસમાં ગુજરાતમાં ભયંકર હાડમારી અને અરાજકતા ઊભી થશે એવું વરતાય છે. ભગવાનને પ્રાર્થના કરું કે હું ખોટો પડું.