કાશ્મીરમાં કંઇક મોટું થવાના ભણકારા, અચાનક જ સેનાના જવાનોને મોટી સંખ્યામાં ઉતારાયા

એનએસએ અજીત ડોભાલે ઘાટીના સીક્રેટ મિશન પર આવ્યા બાદ તરત જ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોની 100 વધુ કંપનીઓ તૈનાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સીઆરપીએફ, બીએસએફ અને…

એનએસએ અજીત ડોભાલે ઘાટીના સીક્રેટ મિશન પર આવ્યા બાદ તરત જ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોની 100 વધુ કંપનીઓ તૈનાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સીઆરપીએફ, બીએસએફ અને એસએસબીની વધુ કંપનીઓની તૈનાતને મંજૂરી આપી દીધી છે. કેટલીક કંપનીઓ કાશ્મીર પહોંચી પણ ગઈ છે. જ્યારે કેટલીક અન્ય કંપનીઓ જલ્દી ઘાટી પહોંચશે.

જો કે આ રીતે સુરક્ષાદળોની 100 વધુ કંપનીઓને કાશ્મીર મોકલવા પાછળ હવે વિવિધ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. પૂર્વ આઈએએસ અધિકારી અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ(જેકેપીએમ) ના અધ્યક્ષ ફૈસલે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષાદળ કંપનીઓની તૈનાતીમાં વધારાને લઈ ચિંતા વ્યક્ત કરી છે અને સવાલ ઉભો કર્યો છે. તેને લખ્યું કે,‘ઘાટીમાં સુરક્ષાદળોની 100 વધુ કંપનીઓની તૈનાતી કેમ થઈ રહી છે? આ વિશે કોઈને માહિતી નથી. આ વાતની અફવા છે કે ઘાટીમાં કંઇક મોટું અને ભયાનક થવાનું છે.


મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે ગૃહ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં કહ્યું હતું કે ઘાટીમાં સુરક્ષાદળની 100 વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવશે. જેમાં સીઆરપીએફની 50, બીએસએફ-10, એસએસબી-30 અને આઈટીબીપીની 10 કંપનીઓ સામેલ છે. દરેક કંપનીમાં 90 થી 100 કર્મચારીઓ હોય છે. સીઆરપીએફની આવનારી વધુ 50 કંપનીઓમાંથી 9 કંપનીઓ દિલ્હી ખાતે સંસદીય ચૂંટણી અને કાંવડિયા ફરજ બજાવી રહી હતી. જ્યારે હવે તેની જગ્યાએ બીએસએફની 9 કંપનીઓ ફરજ પર લગાવવામાં આવી છે.

મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રો પ્રમાણે કાશ્મીરમાં આંતકવાદથી લડવા અને કાયદાકીય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સુરક્ષાદળોની વધુ કંપનીઓની તૈનાતીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી વધુ કંપનીઓની માગ કરી હતી. આ મંજૂરીથી સંબંધીત એક આદેશ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે અમરનાથ યાત્રાની સમાપ્તિ બાદ કેન્દ્ર સરકાર આર્ટિકલ 35 A પર નિર્ણય લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિના આદેશ હેઠળ રાજ્યમાં આર્ટિકલ 35A લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રાષ્ટ્રપતિના આદેશથી તેને હટાવવામાં પણ આવી શકે છે. તેથી ઘાટીમાં ભયંકર હિંસા ભડકે એવા એંધાણ છે. આ કારણે કાયદાકીય વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર પહેલીથી તૈયારી કરી રહી છે.

શું છે આર્ટિકલ 35 A:

ભારતીય સંવિધાનના આ આર્ટિકલ હેઠળ જમ્મુ-કાશ્મીરના મૂળ નિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. જેમકે જમ્મુ-કાશ્મીરની બહારના લોકો અહીંયા સંપત્તિ ખરીદી શકતા નથી અને તેમને રાજ્યની કોઈ પણ યોજનાનો ફાયદો મળી શકે નહીં. એના સાથે પ્રદેશમાં બહારના લોકોને સરકારી નોકરી પણ મળી શકતી નથી. 1954માં ભારતના રાષ્ટ્રપતિના આદેશ પર આર્ટિકલ 370 સાથે 35-A જોડવામાં આવ્યું હતું. આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *