‘ગુજરાતમાં રાત્રે ૧૨ થી ૪ વાગ્યા સુધી અને પૂનમે આખી રાત મુખ્ય માર્ગોની લાઇટ્સ બંધ રાખો’ -રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

હાલમાં જ કૃષિ સંમેલન(Agricultural convention) યોજવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત(Governor Acharya Devvrat) દ્વારા વીજ બચાવ(Power saving) માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં તેમણે કહ્યુ હતું કે, મધ્યરાત્રીના 12 વાગ્યાથી લઈ પરોઢના ત્રણ કે ચાર વાગ્યા સુધી નગરો અને મહાનગરોમાં મુખ્ય માર્ગોની લાઇટ્સ બંધ કરવાથી પણ વીજળીની મોટી બચત થઈ શકે તેમ છે. મધ્યરાત્રીના આ કલાકોમાં નગરો અને મહાનગરોના મુખ્ય માર્ગો પર ઓછામાં ઓછી અવરજવર હોય છે. એટલું જ નહીં, પૂનમની રાત્રીએ પણ નગરો અને મહાનગરોમાં મુખ્ય માર્ગોની લાઈટ્સ બંધ રાખવાથી વીજળીની મોટી બચત થશે અને પર્યાવરણને લાભ થશે.

ઓફિસમાં પ્રવેશતા પાવર ઓન નીકળતા ઓફ કરવાનો સંકલ્પ કરો:
વધુમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, “ઓફિસમાં કામ કરતી હર કોઈ વ્યક્તિ સંકલ્પ કરે કે, હું ઓફિસમાં દાખલ થઈશ ત્યારે જ લાઈટ, પંખો કે એ.સી. ‘ઑન’ કરીશ અને ઓફિસની બહાર નીકળીશ કે તરત જ ‘ઑફ’ કરીશ.” આવા એક નાનકડા નિયમથી આપણે વીજળીની મોટી બચત કરી શકીશું. આ રીતે વીજ ઉત્પાદન માટે વપરાતો કોલસો બચશે એટલું જ નહીં નિરર્થક વેડફાઈ જતી વીજળી કોઈ કારખાનામાં વાપરી શકાશે કે કોઈ કિસાનના ખેતર સુધી પહોંચશે. આચાર્ય દેવવ્રતે પર્યાવરણના જતન અને પ્રદૂષણ નિવારણ માટે વ્યક્તિગત વીજ વપરાશ ઘટાડવા આહવાન કર્યું છે.

પોતે રાજ્યપાલ તરીકે 50% વીજબચત કરી:
આ સંમેલનમાં તેમણે જણાવ્યું હતું કે, “હું રાજભવનમાં આ નિયમનું પાલન કરું છું. ગુજરાતના રાજ્યપાલ તરીકે મને ત્રણ વર્ષ થયા. આ ત્રણ વર્ષનું તારણ નીકળ્યું છે કે, રાજભવનના વીજ બીલમાં 50%નો ઘટાડો થયો છે. હું જ્યારે હિમાચલ પ્રદેશનો રાજ્યપાલ હતો, ત્યારે ત્યાં પણ મેં વીજ બચત માટે આ નીતિ અપનાવી હતી, અને ચાર વર્ષમાં 50 ટકા વીજળીની બચત કરી હતી. પ્રાકૃતિક સંપદાની જાળવણી આપણી જવાબદારી છે.”

પેટ્રોલ-ડીઝલની બચત માટે કાર ચાલુ કરવાની પદ્ધતિ બદલી:
આચાર્ય દેવવ્રતે વધુમાં ઉમેર્યું હતું કે, “રાજ્યપાલ તરીકે હું વાહનમાં બેસું તે પૂર્વે મારી કારનું એન્જિન ચાલુ કરીને એ.સી. ઑન કરી દેતા હતા. પેટ્રોલ-ડીઝલ જેવી પ્રાકૃતિક સંપદાના જતન માટે મેં આ પદ્ધતિ બંધ કરાવી. હવે હું કારમાં બેસું તે પછી જ એન્જિન અને એ.સી. ઑન થાય છે. આવી નાની નાની વસ્તુઓથી આપણે પર્યાવરણનો મોટો ફાયદો કરી શકીશું.” આ રીતે વીજળીની બચત અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પર્યાવરણના જતન અને પ્રદૂષણ નિવારણ માટે વ્યક્તિગત વીજ વપરાશ ઘટાડવા આહવાન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *